જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આજથી એક દાયકા પહેલા માત્ર ભાદરવા મહીનામાંજ પતંગ ઉડતા જોવા મળતા હતા, અને મકરસંક્રાંતિના દિવસે મોટાભાગે આકાશ ખાલી જોવા મળતું, અને પતંગ રસિયાઓ રાજકોટ, અમદાવાદ, વડોદરા અથવા તો સુરત પોતાના સગા સંબંધીઓને ત્યાં પતંગની રંગત માણવા જતા હતા.
પરંતુ તેમાં હવે પરિવર્તન આવ્યું છે, અને જામનગરવાસીઓ પણ મકરસંક્રાંતિ ના દિવસે પતંગ ઉડાવતા થયા છે, જે માટેની જામનગરની સંસ્થા :રંગતાલી ગ્રુપ'ની મહેનત રંગ લાવી છે. સતત 18 વર્ષ સુધી રંગતાળી ગ્રુપના ચીફ ઓર્ગેનાઇઝર સંજય જાની અને તેઓની ટીમ દ્વારા શહેરના અનેક અગ્રણીઓ, દાતાઓ, અથવા તો વેપારી પેઢીઓના સહયોગથી પતંગ અને દોરા તૈયાર કરીને જામનગર શહેરની કેટલીક શાળાઓમાં, અન્યથા અલગ અલગ વિસ્તારોમાં વિનામૂલ્ય પતંગ અને દોરાનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. પ્રારંભમાં તેમાં સફળતા મળી ન હતી, પરંતુ ધીમે ધીમે લોકોએ મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાનું શરૂ કર્યું હતું, અને સતત 18 વર્ષના પ્રયત્નો બાદ હવે જામનગરના આકાશમાં પતંગ ઉડતા જોવા મળી રહ્યા છે. જેની અસર ગઈકાલે વિશેષ જોવા મળી હતી, અને જામનગરની ઉત્સવ પ્રેમી જનતા હવે મકરસંક્રાંતિનું પર્વ પતંગ ઉડાવીને મનાવી રહ્યા છે.


