- મોંઘવારી-મંદીનું સુરસૂરિયું કરી દિવાળીની ધમાકેદાર ઉજવળી બાદ
- જૂના અને નવા વર્ષની વચ્ચેનો પડતર દિવસ રિલેક્સ-ડે બની રહ્યોઃ આજે આણંદ- ખેડાના દેવાલયોમાં ભક્તો ઉમટશે
પ્રકાશના પર્વ દિવાળીની ખેડા અને આણંદવાસીઓ દ્વારા ધમાકેદાર ઉજવણી કરી હતી. બંને જિલ્લામાં મોડી રાત સુધી ફટાકડા ફુટયા હતા. મોડી રાત સુધી આતશબાજી થઇ હતી અને આકાશમાં રંગોળી થતી રહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મંદિરોમાં પણ અન્નકુટના આયોજન સાથે વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું. આમ દિવાળીની શ્રધ્ધાપુર્વક અને ધમાકેદારની સાથે દિપોમય ઉજવણી કરવા ઉપરાંત ધાર્મિક તથા પરંપરાગત સેલીબ્રેશન આણંદ અને ખેડા જિલ્લામાં થતું જોવા મળ્યું હતું.
આજે એટલે કે, મંગળવારે પડતર દિવસ રહ્યો હતો. જાણે દિવાળીનો થાક ઉતારવા અને નવા વર્ષની તૈયારી માટેનો એક દિવસ આપ્યો હોય તે રીતે આ દિવસે મીશ્ર પ્રતિભાવ બંને જિલ્લામાં જોવા મળ્યો હતો.
રસ્તા, કચેરીઓ, સોસાયટીઓ સુમસામ ભાંસતી હતી તો બજારોમાં મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. જિલ્લાના બજારો મોડી રાતે પણ ધમધમતા રહ્યા હતા. ત્યારે નવા વર્ષના વધામણા માટે પણ ચરોતરવાસીઓ તૈયાર થતા હતા.
ગૃહિણીઓએ મોડીરાત સુધી જાગી રંગબેરંગી આકર્ષક રંગોળી ઘરઆંગણે પુરી હતી નવું વર્ષ શુભ રહે તેવી આશા સાથે પડતર દિવસે રાત્રે રંગોળી ઉત્સવ હોય તેમ લાગતું હતું. એટલું જ નહીં સોશિલ મિડિયાના યુગમાં વોટઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને મેસેન્જરમાં શુભેચ્છાઓનો ધોધ વહેતો હોય તેમ સતત મેસેજના મારા પરથી લાગતું હતું. મોંઘવારી વધી હોવા છતાં પણ ઉત્સવપૂર્વક નગરજનોએ દિવાળીનું ધમાકેદાર સેલીબ્રેશન કર્યું હતું અને નવા વર્ષના વધામણા કરવા માટે પણ અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.


