હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર મારામારી, ટ્રક ડ્રાઇવરને માર મારતાં દોઢ કલાકથી ચક્કાજામ, વાહનોની લાંબી કતાર લાગી
Dhrangadhra- Halvad highway Roadblock : અમદાવાદ-કચ્છને જોડતા ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ગામ નજીક આવેલા ટોલનાકા પર મારામારી ઘટના સામે આવી છે. ટ્રક ડ્રાઇવર સાથે માથાકૂટ બાદ ટ્રક ટ્રાઇવરને માર મારવામાં આવતાં મામલો ઉગ્ર બની ગયો છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો છે. જેના પગલે હાઇવે પર વાહનોની અવરજવર ઠપ્પ થઇ ગઇ છે અને હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે (બુધવારે) વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલનાકા ટોલનાકાના કર્મી અને પોલીસ જેવા દેખાતા લોકોએ ટ્રકના ટ્રાઇવર અને ક્લિનરને માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ટ્રક ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માર મારવાની ઘટનાને લઇને ટ્રક ચાલકોએ વાહનોના પૈડા થંભાવી દેતાં સાડા ચાર કલાક સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી. બંને તરફ 6 કી.મી સુધી ટ્રાફિક જામના દ્વશ્યો જોવા મળ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ધ્રાંગધ્રા પોલીસે જણાવ્યું હતું કે બન્ને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનામાં જે કોઇ દોષિત હશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.