નડિયાદમાં અને ગળતેશ્વરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો
- ખેડા જિલ્લામાં હળવો વરસાદ પડયો
- ગરમીમાંથી આંશિક રાહત : ખેડૂતોને હજૂ સાર્વત્રિક વરસાદની રાહ
છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આજે પડેલો આ હળવો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે, આ વરસાદ હળવો અને છૂટોછવાયો હોવાથી ખરીફ પાકની વાવણી માટે પૂરતો ન હોવાથી ખેડૂતો હજુ પણ સારા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ હળવા વરસાદથી જમીનને જોઈએ તેવી ભીનાશ મળી નથી. ખેડા જિલ્લામાં સોમવારનો વરસાદ જોઈએ તો નડિયાદમાં સૌથી વધુ ૧૪ મિ.મી. વરસાદ પડયો છે. ગળતેશ્વરમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે ખેડામાં ૩ મિ.મી., ઠાસરામાં ૨ મિ.મી., વસોમાં ૨ મિ.મી. અને માતરમાં ૧ મિ.મી. વરસાદ પડયો છે. આ ઉપરાંત, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને મહુધા તાલુકામાં આજે કોઈ વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં આજે કેટલાક વિસ્તારોમાં માત્ર આકાશ ઘેરાયું હતું અને વરસાદ વરસ્યો નહોતો, જ્યારે અમુક સ્થળોએ માત્ર રસ્તા ભીના થાય તેટલો જ વરસાદ પડયો હતો.