Gujarat

મહુવામાં અર્ધો ઈંચ મેઘમહેર, અન્યત્ર વાદળિયું વાતાવરણ

By GS TEAM
30 Jun 20251 min read
મહુવામાં અર્ધો ઈંચ મેઘમહેર, અન્યત્ર વાદળિયું વાતાવરણ

- શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક, બગડ અને રોજકી ડેમ વિસ્તારમાં વરસાદ

- ભાવનગરમાં તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટયું, 26 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભાવનગર : મહુવામાં સવારે ધોધમાર અર્ધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય નવ તાલુકામાં આખો દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક રહી હતી.

મહુવામાં મેઘરાજાની પધરામણી થતા સવારે ૧૦થી ૧૨ વચ્ચે ૧૧ મિ.મી. અને ત્યારબાદ બપોરે ૧૨થી ૨ વચ્ચે ધીમીધારે વધુ ચાર ઈંચ મેઘમહેર થઈ હતી. ભાવનગરમાં દિવસ દરમિયાન મોટાભાગે વાદળિયું વાતાવરણ રહ્યું હતું. સાથે ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસતા મહત્તમ તાપમાનમાં ૨.૯ ડિગ્રી ઘટીને ૩૦.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૦.૨ ડિગ્રી નીચે સરકીને ૨૬.૨ ડિગ્રી રહ્યું હતું. ભાવનગર ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા હતા. જો કે, મહુવાને બાદ કરતા એક પણ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.તો બીજી તરફ રોજકી ડેમ વિસ્તારમાં ૧૫ મિ.મી. અને બગડ ડેમ વિસ્તારમાં ૦૫ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. શેત્રુંજી ડેમમાં ૮૦૭ ક્યુસેક પાણીની આવક શરૂ રહી હતી.