આજે ભાવનગર શહેર અને જિલ્લામાં અર્ધો કલાક બ્લેક આઉટ
- પહલગામ આતંકી હુમલા બાદ ઉદ્ભવેલી યુદ્ધની પરિસ્થિતિને લઈ સિવિલ ડીફેન્સના ભાગરૂપે આયોજન
- સાંજે 7.45 કલાકે બે મિનિટ સુધી સાયરન વાગે ત્યારે સ્વૈચ્છાએ લાઈટ બંધ કરવા કલેકટરનો જાહેર અનુરોધ : રાત્રે 8.15 કલાકે એક મિનિટનું સાયરન વાગ્યા બાદ ઉપકરણો શરૂ કરી શકાશે : સાંજે 4 કલાકે મોકડ્રિલ
રાજ્યના અન્ય ૧૭ જિલ્લાની સાથે આવતીકાલ તા.૭ને બુધવારે થનારા બ્લેક આઉટ અંગે જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, સિવિલ ડીફેન્સના ભાગરૂપે સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવાઈ તે હેતુ સાથે આવતીકાલ બુધવારે સાંજે ૭.૪૫ કલાકે સમગ્ર ભાવનગર જિલ્લામાં સ્વૈચ્છિક બ્લેક આઉટ (અંધારપટ) કરવાનો રહેશે.પોલીસ, ફાયર બ્રિગેડના વાહનોને નિશ્ચિત સ્થળે ઉભા રાખી સાંજે ૭.૪૫ કલાકે બે મિનિટ સુધી સાયરન વગાવામાં આવશે. સાયરન શરૂ થતાં જ શહેર અને જિલ્લાના તમામ વિસ્તારોમાં નાગરિકોએ પોતાના ઘર, ઓફિસ, દુકાનોમાં લાઈટના ઉપકરણો બંધ કરવાના રહેશે. સ્ટ્રીટલાઈટો પણ બંધ કરી દેવામાં આવશે. અર્ધો કલાક સુધી અંધારપટ રાહ્યા બાદ રાત્રે ૮.૧૫ કલાકે એક મિનિટ સાયરન વાગશે ત્યારે લોકો તેમના ઈલેક્ટ્રીક ઉપકરણો ફરી શરૂ કરી શકશે.તેમણે જણાવ્યું કે, આ પ્રક્રિયાથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે રહેવું તેની ટ્રેનિંગનો ભાગ છે. બ્લેક આઉટ દરમિયાન લોકોએ પોતાના ઘરોમાં જ રહેવું, ઈમરજન્સીની પરિસ્થિતિ સિવાય કોઈ નાગરિકે પોતાના વાહનો લઈને બહાર ન નીકળી બ્લેક આઉટને સફળ બનાવવામાં સહકાર આપવા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે. બ્લેક આઉટ ઉપરાંત આવતીકાલે બુધવારે સાંજે ૪ કલાકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ અને અન્ય વિભાગોને સાથે રાખી અલગ-અલગ જગ્યાઓ ઉપર મોકડ્રિલ પણ યોજવામાં આવશે તેમ અંતમાં ઉમેર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, મોકડ્રિલ અને બ્લેક આઉટના સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં એસપી, નિવાસી અધિક કલેક્ટર, આરોગ્ય, ફાયર, આરટીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.