શું રૂપાણી સરકારના છ મંત્રીઓને ચૂંટણી નહી લડવા મળે?
અમદાવાદ તા. ૯
ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં અત્યારે
ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની ચર્ચા ચાલી રહી
છે. આ ચર્ચા સમયે જ પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલ પોતે ચૂંટણી નહી લડે એવી જાહેરાત કરી રેસમાંથી ખસી ગયા છે ત્યારે એવી ચર્ચા
ચાલી રહી છે કે રૂપાણી કેબીનેટમાં મંત્રીપદ ભોગવનાર અન્ય મંત્રીઓને પણ ટીકીટ મળે
એવી શક્યતા નથી.
જે લોકોના નામ ઉપર પાર્ટી હવે ચોકડી મુકવા જઈ રહી છે તેમાં
સિનિયર મંત્રી સૌરભ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય ગૃહમંત્રી એવા
પ્રદીપસિહ જાડેજાના નામ પણ આવી રહ્યા છે. આ ઉપરાંત, જયદ્રથ સિંહ પરમાર, કૌશિક પટેલ,
દિલીપ ઠાકોરના નામ ઉપર પણ કાતર ફરી વળે એવી શક્યતા છે.
અગાઉ, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળનાર અને
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જેમના નેતૃત્વ હેઠળ લડાઈ હતી એવા વિજય રૂપાણીએ આગામી
ચૂંટણી નહી લડવા માટેની જાહેરાત કરી છે. રૂપાણી સરકારમાં જ નાયબ મુખ્યમંત્રી તરીકે
કાર્યભાળ સંભાળનાર નીતિન પટેલે પણ આવી જ રીતે પાર્ટીને એક લેખિત પત્રમાં ચૂંટણી
નહી લડવાની જાહેરાત કરી છે.
અહી નોંધવું જોઈએ કે સપ્ટેમ્બર ૨૦૨૧માં અચાનક જ ભારતીય જનતા
પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના સૂચનની વિજય રૂપાણી, નીતિન પટેલ અને એ સમયે રાજ્ય
મંત્રીમંડળના દરેક સભ્યોએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પછી ભાજપે ભુપેન્દ્ર
પટેલના નેતૃત્વ હેઠળ નવી સરકાર અને તેમાં બધા જ નવા ચહેરાની પસંદગી કરી નવી સરકાર
બનાવી છે.
અહી એ પણ જાણવું જોઈએ કે વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટ
પશ્ચિમ બેઠક ઉપર પક્ષની ટીકીટ માટે ખેંચતાણ ચાલી રહી છે. અત્યારસુધી રૂપાણીએ પોતે
પક્ષનો આદેશ થશે તો ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જોકે, રાજ્યના સૌથી વરિષ્ઠ
નેતા એવા વજુભાઈ વાળાના પર્સનલ આસિસ્ટન્ટ ઉપરાંત અન્ય દાવેદારો પણ વધી રહ્યા
હોવાથી આ પ્રતિષ્ઠિત બેઠક માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપના કેન્દ્રીય સંસદીય
બોર્ડની બેઠકમાં ગુજરાતના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આ લખાય છે ત્યારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય સંસદીય પક્ષના નેતાઓની
હાજરીમાં બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં બન્ને વરિષ્ઠ નેતાઓને કાપી નાખવામાં આવે,
તેમને ચૂંટણી લડવાની પરવાનગી મળે નહી તેવા સંકેત મળતા પણ આ જાહેરાત થઇ હોય એવી
શક્યતા છે.
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ ભાજપના સિનિયર નેતા વિજય
રૂપાણીએ નિવેદન આપ્યું છે કે તેઓ આ વિધાનસભા ચૂંટણી નહીં લડે. વિજય રરૂપાણીની આ
જાહેરાતથી રાજકોટ બેઠકના ભાજપના અન્ય દાવેદારોએ હાંશકારો અનુભવ્યો છે.