પ્રવેશવંચિતોના મુદ્દે યુનિ.માં હલ્લાબોલઃ અધિકારીઓને 7 કલાક નજરકેદ કરાયા
વિદ્યાર્થી પરિષદના હોબાળા બાદ LLMમાં પ્રવેશ ફાળવાયાઃ U.G, P.G સહિત અન્ય ફેકલ્ટીમાં સોમ-મંગળે રજીસ્ટ્રેશન બાદ પ્રવેશ અપાશે
સુરત તા. 6 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત
યુનિવર્સિટીની તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં બેઠક ખાલી હોવા છતા
કેટલાક વિદ્યાર્થીઓ ટેકનિકલ કારણોસર પ્રવેશથી વંચિત રહી જતા એબીવીપીની આગેવાનીમાં
પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ આજે યુનિવસટીમાં હલ્લાબોલ કર્યુ હતું. એબીવીપીએ
રજીસ્ટ્રાર અને ડેપ્યુટી રજીસ્ટ્રાર ઉપરાંત પ્રવેશ કમિટીના સભ્યોને ઓફિસમાં નજરકૈદ
કરી લીધા હતા અને જયાં સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહિ લેવાય ત્યાં સુધી ધરણા
ચાલુ રાખવાનો નિણર્ય લીધો હતો.
નર્મદ યુનિ.માં યુ. જી અને પી. જી માં પ્રવેશ માટે ત્રણ મહિનાની મેરોથન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાયા બાદ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાની ફરિયાદ સાથે આજે એબીવીપીએ યુનિવસટ ખાતે ધરણા પ્રદર્શન કર્યુ હતું. એબીવીપીના મત મુજબ કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતા યુ. જી અને પી. જી માં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. બીજી તરફ યુનિ.ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓ ઉભી થતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો હતો અને ફી ભરી બે મહિના અભ્યાસ કર્યા બાદ તેઓના પ્રવેશ રદ્ કરી દેવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓને થઇ રહેલા અન્યાય મુદ્દે ધરણા પ્રદર્શન કર્યુ હતું.
100 થી વધુ વિદ્યાર્થીઓએ આજે સવારે અગિયાર વાગ્યે યુનિ.ના વહીવટી બિલ્ડીંગમાં રજીસ્ટ્રાર ઓફિસમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અરવિંદ ધડુક, ડેપ્યુટી રજીસ્ટ્રાર આર. સી. ગઢવી, નરેન્દ્ર પટેલ ઉપરાંત પ્રવેશ કમિટીના કેટલાક સભ્યોને નજરકેદ કરી લીધા હતા. બીજી તરફ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને અગાઉથી જ ગંધ આવી જતા તેઓ રાબેતા મુજબ આજે યુનિ. કેમ્પસમાં આવ્યા જ નહોતા. જોકે વિદ્યાર્થીઓ કુલપતિ અહી આવે તેવી જીદે ચઢયા હતા અને યુનિવસટીના અધિકારીઓને 7 કલાકથી વધુ સમય સુધી નજરકૈદ રાખ્યા હતા. છેવટે પ્રવેશ કમિટીએ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને આગામી સોમવાર અને મંગળવારના રોજ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની તક આપવાનો અને બુધવારે પ્રવેશ ફાળવી ગુરૃવારે ફી ભરવાની રહેશે તેવો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લીધો હતો. જયારે એલએલએમના પ્રવેશ વંચિત 25 પૈકી 16 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે.
કુલપતિ જુથના બે સિન્ડીકેટ સભ્યો પણ હલ્લાબોલમાં જોડાયા
કુલપિત જુથ અને હરીફ જુથ વચ્ચેનું રાજકારણ હાલ શાંત પડી ગયું છે અને આગામી
દિવસોમાં કોર્ટ કેસમાં પરિણમે તેવી શકયતા છે. બીજી તરફ આજે વિદ્યાર્થીઓના પ્રવેશ
મુદ્દે ઉભી થયેલી સમસ્યામાં કુલપતિની આજુબાજુ ફરતા એક પણ સિન્ડીકેટ કે સેનેટ સભ્યો
વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા ન્હોતા. આશ્ચર્યની બાબત એ છે કે કુલપતિ જુથના કહેવાતા
સીન્ડિકેટ સભ્ય અને પ્રવેશ કમિટીના સભ્ય વિનોદ ગજેરા અને કિરણ ઘોઘારી ઉપરાંત યુવા
સેનેટ કનુ ભરવાડ, નિશીથ પટેલ વિગેરે એબીવીપી તરફે રહ્યા હતા.
જયારે વિદ્યાર્થીઓના વધી રહેલા રોષને પગલે છેક સાંજે સીન્ડિકેટ સભ્ય કેતન દેસાઇ
અને સંજય લાપસીવાલાએ બિલ્લી પગે એન્ટ્રી આપી હતી.