તળાજા સીએચસીમાં ગાયનેકની 25 દિવસમાં જ બદલી, દર્દી રામ ભરોસે
- પાર્ટ ટાઈમ સ્ત્રી રોગ નિષ્ણાતની જગ્યાએ કાયમી મુકાયેલા
- સીબીસી પરીક્ષણ માટેનું મશીન 3વર્ષથી બંધ, નવા મશીનની ફાળવણી થતી નથી
તળાજા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવાના બદલે દુવિધામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ પાર્ટ ટાઈમ ગાયનેકથી ગાડુ ગબડાવવામાં આવતું હતું. તેમને હટાવી બીજા ગાયનેકને મુકવામાં આવ્યા હતા. પરંતુ લાગવગને કારણે તેમની પણ તળાજા સીએસીમાંથી ૨૫ દિવસમાં જ બદલી થઈ ચૂકી છે. જેથી દર્દીઓ મુસીબતમાં મુકાયા છે. બાળરોગ નિષ્ણાંત તબીબને પણ ૨૪ કલાક ફરજ પર મુકવાના બદલે કલાકના વેતન પ્રમાણે રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં અસુવિધાનો વધુ એક દાખલો પણ સામે આવ્યો છે. જેમાં સીબીસી પરીક્ષણ કરતું લેબોરેટરીનું મશીન ત્રણ વર્ષથી બંધ હોય, ઉચ્ચ કચેરીમાં જાણ કરવા છતાં નવા મશીનની ફાળવણી કરવામાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગાયનેક તબીબની કાયમી નિમણૂક, સીબીસી પરીક્ષણનું નવું મશીન આપવામાં આવે તેવું દર્દીઓ અને તેમના સગા-સબંધી ઈચ્છી રહ્યા છે.