સરકારને સદ્દબુદ્ધિ આપવા વ્યાયામ શિક્ષકોની ભગવાન શ્રીરામને ગુહાર

માણસ ઉપરથી તો
ભરોસો જ ઉઠી ગયો
શિક્ષકોનું ૨૧ દિવસથી આંદોલન યથાવત્ છતાં સરકાર ટસની મસ ન થતાં વિરોધ ઃ વધુ એક વખત શિક્ષકોને અટકાયતમાં લેવાયાં
ગાંધીનગર : શ્રીરામ નવમી અને રવિવારની જાહેર રજાના દિવસે પણ કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો દ્વારા આંદોલન યથાવત રખાયુ હતું. પોલીસે વધુ એકવાર અટકાયત કરી ત્યારે પોલીસની વાનમાં બેસીને પણ લડેંગે ઔર જીતેંગેના નારા લગાવ્યા હતાં. આ પહેલા તેમણે મંદિરમાં પહોંચીને ભગવાન શ્રીરામને પત્ર પાઠવીને સરકારને સદબુદ્ધિ આપવાની ગુહાર લગાવતાં માણસ પરથી ભરોસો ઉઠી ગયાનું જણાવ્યુ હતું.
સતત ૨૧માં દિવસ
પછી પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
વિભાગમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા સંબંધે અને ખેલ સહાયક તરીકેની ૧૧ માસના
કરાર આધારિત ભરતી કરવાની માંગણી સંબંધમાં કોઇ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નહીં
હોવાનું વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યુ હતું.
જોકે વ્યાયામ
શિક્ષકો દ્વારા હવે આર યા પારની લડાઇ લડી લેવાનો મનસુબો બનાવી લેવામાં આવ્યો છે અને
જ્યાં સુધી ન્યાયી માંગણી સંબંધે સરકાર તરફથી કોઇ નિરાકરણ આપવામાં ન આવે ત્યાં સુધી
વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. દરમિયાન ક્રીડા ભારતી ગુજરાત
સંગઠન દ્વારા પણ વ્યાયામ શિક્ષકોના આંદોલનને ટેકો જાહેર કરવાની સાથે આંદોલનકારીઓ સામે
કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ટીક્કા કરવામાં આવી છે. નોંધવું રહેશે, કે આ પહેલા
રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા પણ આ
લડતને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે. સરકારની નીતિ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૃદ્ધની
હોવાનું જણાવી આંદોલનને આગળ ધપાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.








