દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ
રૃા.૧.૯૦ કરોડની વીજ ચોરી ઝડપાઇ ઃ શંકાસ્પદ ૯૨ મીટરો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ
દાહોદ તા.૭ દાહોદમાં કરોડો રૃપિયાની વીજ ચોરી કૌભાંડ ઝડપાયું છે. રાજ્યભરમાંથી આવેલી જુદી જુદી ૬૯ ટીમોએ આજે દાહોદ શહેર તેમજ તાલુકામાં ધામા નાંખી પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી સામૂહિક ચેકિંગ હાથ ધરતા રૃા.૧.૯૦ કરોડ ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડી હતી.
દાહોદ શહેર અને જિલ્લામાં વીજ કર્મચારીઓ તેમજ અધિકારીઓની મિલીભગતથી ચાલતા વીજ ચોરી કૌભાંડનો પર્દાફાશ થતાં જ જીયુવીએનએલ પણ ચોંકી ગયેલ છે. વીજ કંપનીએ રાજ્યભરની ટીમોને દાહોદમાં ઉતારી દીધી છે. ૬૯ ટીમોએ આજે દાહોદ શહેર ઉપરાંત ગ્રામ્ય-૧, ગ્રામ્ય -૨ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યુ હતું.
ટીમોએ આજે ૨૪૭૧ જેટલાં વીજ કનેક્શન ચેક કરી ૯૨ જેટલાં શંકાસ્પદ વીજ મીટર જપ્ત કર્યા હતા. રૃા.૧.૯૦ કરોડની વીજ ચોરી પકડી ૧૦ કનેક્શન કલમ ૧૨૬ હેઠળ જપ્ત કર્યા હતા. રાજ્યભરની ટીમોના ચેકિંગ પહેલા વીજ ચોરીમાં સંડોવાયેલા મનાતા કેટલાંક અધિકારીઓની બદલી કરી ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.