સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે હરિભક્તોને ગુરૂ પૂર્ણિમાના આશિર્વાદ પાઠવ્યા
અમદાવાદ, ગુરૂવાર
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સંપ્રદાયના ગુરુપદે બિરાજેલ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સવારે શણગાર આરતી બાદ પરમગુરુ પરમાત્મા શ્રી હરિકૃષ્ણમહારાજનું વિશેષ પૂજન કર્યું હતું.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા હિન્દુ સંપ્રદાયમાં ગુરૂપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ગુરૂ. સનાતન હિન્દુ પરંપરામાં ગુરૂપૂર્ણિમાનું વિશેષ માહાત્મય છે.વડતાલ મંદિરના સભામંડપમાં સ.ગુ.પૂ.નિત્યસ્વરૂપદાસજીએ ઉપસ્થિત હરિભક્તોને વડતાલ મહિમા સાથે ગુરૂમહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું.
ગુરૂપૂર્ણિમાનું પ્રથમ પૂજન વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનશ્રી ડો સંતવલ્લભદાસ સ્વામી , મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી,પાર્ષદ વલ્લભભગત , વગેરેએ કર્યું હતુ . ગુરૂપૂર્ણિમા નિમિતે વડતાલ મંદિરમાં સવારથીજ હકડેકઠ હરિભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંગળાઆરતીમાં પોતાના મહારાજને મળવા હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે નીલકંઠચરણસ્વામી,સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી,સ્વામી,સત્સંગ ભૂષણ સ્વામી, ધોલેરાના હરિકેશવસ્વામી, મેમનગર ગુરુકુળના બાલકૃષ્ણ સ્વામી વગેરેએ પ્રવચન કરી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણને કર્મઠ મહાપુરૂષ એવા ગુરૂ રાકેશપ્રસાદજી મહારાજ મળ્યા છે.તેઓ જ્યારથી ગાદીએ આરૂઢ થયા ત્યારથી સંપ્રદાયનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. મહારાજ શ્રી નાનામાં નાનો હરિભક્ત હોય તેને પણ ભાવથી બોલાવે છે. તેઓ ગાદીએ આરૂઢ થયા બાદ ૯૦૦ થી વધુ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી ચુક્યા છે.અને દેશ-વિદેશમાં અનેક મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી છે.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે હરિભક્તોને ગુરૂ પૂર્ણિમાના આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સંપ્રદાયનો અર્થ ગુરૂ પરંપરા છે. આપણે સૌ પરંપરા જાળવીએ તે બધાનું કર્તવ્ય છે. આજે સવારે મહારાજ શ્રીએ મંદિરમાં હરિકૃષ્ણમહારાજનું પૂજન કર્યા બાદ આશિર્વાદમાં પ્રભુ કાયમ અમોને સદબુદ્ધિ આપે સારો સંગ આપે ક્યારેય બીજો વિચાર ન આપે તથા ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આજ્ઞાને અનુસરવાની પ્રેરણા કરી હતી.અને સત્સંગીના ધર્મ-નિયમ જાણવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.