વડોદરામાં ગુનાઇત પ્રવૃત્તિ કરી હાહાકાર મચાવતી લાલુ સિન્ધી ગેંગ સામે ગુજસીટોક

વડોદરા,સમગ્ર રાજ્યમાં વિદેશી દારૃનું મોટું નેટવર્ક ધરાવતી સિન્ધી ગેંગ સામે છેવટે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાલુ સિન્ધી ગેંગનું નામ આપી પોલીસે ૧૨ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જે પૈકી એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ જેલમાં છે અને મુખ્ય સૂત્રધાર લાલુ સહિત ૭ આરોપીઓને પકડવાના બાકી છે.
લાલુ સિન્ધી ગેંગ દ્વારા સંગઠીત ટોળકી બનાવી છેલ્લા ૧૦ વર્ષમાં વડોદરા તથા આસપાસના જિલ્લામાં ગુનાઓ કરી આતંક ફેલાવ્યો હતો. ખૂન, ખંડણી, ધાડ, ખોટા દસ્તાવેજો બનાવવા, રાજ્ય સેવક પર હુમલો, આર્મ્સ એક્ટ તથા વિદેશી દારૃની હેરાફેરીના મળી કુલ ૧૦૬ ગુનાઓ આ ટોળકી દ્વારા આચરવામાં આવ્યા છે. ૧૨ આરોપીઓ સામે છેલ્લા ૧૦ વર્ષમાં બે કે બે કરતા વધુ ૮૧ ગુનાઓ દાખલ થયા છે. આ તમામ ગુનાઓના પૂરતા પુરાવા મળતા તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ સામે સખતમાં સખત અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવાછતાંય તેઓની ગુનાઇત પ્રવૃત્તિ અટકી નહતી. જેથી, આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ એ.સી.પી. પ્રણવ કટારિયાને સોંપવામાં આવી છે. ૧૨ પૈકી ૧ આરોપી મુકેશ નારાયણદાસ માખીજાની (રહે. મંગલા મારવેલ સોસાયટી, તરસાલી) ઝડપાઇ ગયો છે. જ્યારે મુખ્ય આરોપી લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી હેમંતદાસ ખાનાણી (રહે.એસ.કે. કોલોની, વારસિયા) સહિત ૭ આરોપીઓ ફરાર છે.
પોલીસ ગુના દાખલ કરે છે, પણ સજા થતી નથી
પુરાવાના અભાવે આરોપીઓ મોટાભાગના કેસમાં છૂટી જાય છે
વડોદરા,
લાલુ સિન્ધી અને તેની ગેગ સામે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૬ ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહીની વાતો થાય છે. પરંતુ, આ ગેંગના સાગરીતોેને એકપણ કેસમાં સજા થઇ હોવાનું ધ્યાને નથી. કરોડાના દારૃની હેરાફેરીમાં એક સમયના મોસ્ટ વોન્ટેડ મુકેશ હરજાણીની હત્યામાં પણ આરોપીઓ સામે ગુનો પુરવાર થયો નહતો. પોલીસ ગુનો દાખલ કરે છે. પરંતુ, તે ગુનાને સજા સુધી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહે છે. જેના કારણે આરોપીઓ બેફામ બને છે. પોલીસે આ ગુનો દાખલ કરવા માટે જે ગુનાઓ ધ્યાને લીધા છે. તે પૈકી પણ મોટાભાગના કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હશે.
ચાર આરોપીઓ હાલ જેલમાં જ છે
(૧) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી ( રહે. રોયલ હાઇટ્સ, વારસિયા) ઃ ૭ ગુના (૨) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ (રહે સવાદ ક્વાટર્સ, હરણી રોડ) ઃ ૫ ગુના (૩) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસીંગાણી ઃ ૮ ગુના (રહે. નર્મેદેશ્વર સોસાયટી, સહયોગની પાછળ) ઃ (૪) જીતેન્દ્ર સંપતસિંહ ચૌહાણ ઃ ૫ ગુના (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) ઃ
મુખ્ય સૂત્રધાર સહિત ૭ આરોપીઓને પકડવા પોલીસની દોડધામ
(૧) લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી (રહે. એસ.કે. કોલોની, વારસિયા)
(૨) અનિલ ઉર્ફે એન્થોની મુલચંદભાઇ ગંગવાણી (રહે. સવાદ ક્વાટર્સ, હરણીરોડ)
(૩) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાણી (રહે. વલ્લભ ઓર્ચિડ બંગલો, ખોડિયારનગર)
(૪) મોહિત દિલીપભાઇ અગ્રવાલ (રહે. ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ, ગોરવા)
(૫) હેમંત નાનકરામ સચવાણી (રહે.સંતકંવર કોલોની, વારસિયા)
(૬) હિમાંશુદિલીપભાઇ અગ્રવાલ (રહે.ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ, ગોરવા)
(૭) દિપેન દિનેશભાઇ વાળા (રહે. શ્રીજી ટેનામેન્ટ, ગોરવા)









