Get The App

રાજકોટમાં આતંક મચાવનાર 'પેંડા' ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં આતંક મચાવનાર 'પેંડા' ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક 1 - image

મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ પોલીસની ઉંઘ ઉડી

ચાર સભ્યોની ધરપકડ, 11 સભ્યો જેલમાં, બે વોન્ટેડ : 2015થી લઇ 2025 સુધીમાં મોટાભાગના ગંભીર ગણાય તેવા 71 ગુના આચર્યા

રાજકોટ: રાજકોટના મંગળા મેઇન રોડ પર થોડા દિવસો પહેલા પેંડા અને મૂર્ગા ગેંગના સભ્યોએ અંધાધૂંધ ફાયરિંગ કરી ભય ફેલાવ્યો હતો. આ ઘટનાને કારણે રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતાં. તે સાથે જ અત્યાર સુધી નરમ વલણ અપનાવી બેઠેલી પોલીસે બંને ગેંગ સામે ગુજસીટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચે આજે પેંડા ગેંગના ૧૭ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર પેંડા ગેંગના સભ્યોએ ૨૦૧૫થી લઇ ૨૦૨૫ની સાલ દરમિયાન આઇપીસી અને ભારતીય ન્યાય સંહિતામાં સામેલ હોય તેવા મોટાભાગનાં ૭૧ જેટલા ગંભીર ગુના આચર્યા હતાં. જેમાં ખૂન, ખૂનની કોશિષ, સરાજાહેર ફાયરિંગ, પ્રાણઘાતક હથિયારો વડે સરાજાહેર હુમલા, બળજબરીથી પડાવી લેવું, તોડફોડ, ધાકધમકી, ગેરકાયદે હથિયાર, દારૂ અને ડ્રગ્સનું વેચાણ, છેડતી, ગેંગરેપ, બળજબરીથી રેપ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, લૂંટ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

પેંડા ગેંગના સભ્યોએ એકલા રાજકોટ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાઓમાં પણ ગુના આચર્યા હતાં. જેની સામે અત્યાર સુધી ગમે તે કારણસર પોલીસને ગુજસીટોક કરવાનું સૂઝ્યું ન હતું. પરંતુ મંંગળા રોડ પરના અંધાધૂંધ ફાયરિંગ બાદ પોલીસની આબરૂ દાવ પર લાગતા આખરે આ ગેંગ સામે ગુજસીટોક જેવું ભારે શસ્ત્ર ઉગામાયું છે. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. 

પેંડા ગેંગના ૧૭ સભ્યોમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહેલ (રહે. બાબરીયા, આરએમસી ત્રણ માળિયા ક્વાર્ટર), તેનો નાનો ભાઈ જીજ્ઞોશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટીકીટ (રહે. આનંદનગર કોલોની), ચિરાગ ઉર્ફે બકાલી રાજેશ મકવાણા (રહે. આનંદનગર કોલોની) અને ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઈ ગોહેલ (રહે. હુડકો ક્વાર્ટર, કોઠારિયા રોડ)નો સમાવેશ થાય છે.

ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે ગેંગના ૧૧ સભ્યો હાલ જેલમાં છે. જ્યારે બે સભ્યો હજુ વોન્ટેડ છે. જેલમાં રહેલા સભ્યોનો ટૂંક સમયમાં કબજો લેવાશે. જ્યારે વોન્ટેડ સભ્યોને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમો કામે લાગેલી છે. 

- જેની સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો તેવા 15 આરોપીઓ

રાજકોટ: ક્રાઇમ બ્રાંચે પેંડા ગેંગના જે ૧૭ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમાંથી ૧૫ સભ્યોમાં રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા (કુલ ગુના-૧૧) (રહે. આશાપુરાનગર શેરી નં.૯), હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકીસિંહ ઝાલા (કુલ ગુના-૭) (રહે. રતનપર ગામ), પરીક્ષીતિ ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા (કુલ ગુના-૭) (રહે. પુનિતનગર શેરી નં.૩), જીજ્ઞોશ ઉર્ફે ભયલુ દિનેશ રાબા (કુલ ગુના-૧૧) (રહે. આશાપુરાનગર શેરી નં. ૧૧), પરિમલ ઉર્ફે પરીયો ત્રિભુવન સોલંકી  (કુલ ગુના-૪) (રહે. આંબેડકરનગર આવાસ યોજનાના ક્વાર્ટર, અવધનો ઢાળિયો), ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઈ ગોહેલ (કુલ ગુના-૩) (રહે. હુડકો ક્વાર્ટર, કોઠારિયા રોડ), દિનેશ ઉર્ફે કાચો સંજય ટમટા (કુલ ગુના-૮) (રહે. વીર નર્મદ ટાઉનશીપ, ગોંડલ રોડ), જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપ રોજાસરા (કુલ ગુના-૪) (રહે. આશાપુરાનગર શેરી નં.૩), કમલેશ વજુભાઈ મેતા (કુલ ગુના-૩) (રહે. રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.૮, જંગલેશ્વર), દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહેલ (કુલ ગુના-૧૦) (રહે. બાબરીયા આરએમસી ત્રણ માળિયા ક્વાર્ટર), રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદ ગોહેલ (કુલ ગુના-૧૦) (રહે. આનંદનગર ક્વાર્ટર), જીજ્ઞોશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટીકીટ અરવિંદ ગોહેલ (કુલ ગુના-૯) (રહે. આનંદનગર કોલોની), ચિરાગ ઉર્ફે બકાલી રાજેશ મકવાણા (કુલ ગુના-૮) (રહે. આનંદનગર કોલોની), હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકળી ભૂપતસિંહ જાડેજા (કુલ ગુના-૭)  (રહે. સફર એપાર્ટમેન્ટ, રેલનગર) અને સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા (કુલ ગુના-૬) (રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ)નો સમાવેશ થાય છે. 

- પેંડા ગેંગના બે સભ્યો માદક પદાર્થોના કેસમાં જેલમાં બંધ

રાજકોટ: પેંડા ગેંગનો પરીક્ષિત હાલ જેલમાં છે. જ્યારે રણજીત ઉર્ફે કાનો અને હિતેન્દ્રસિંહ એનડીપીએસના ગુનામાં જેલમાં છે. બાકીના આરોપીઓ પણ જુદા-જુદા ગુનામાં જેલમાં છે. 

- પેંડાનું થોરાળા પોલીસની કસ્ટડીમાં મોત નિપજ્યું હતું

રાજકોટ: જેના નામથી ગેંગ ઓળખાય છે તે પેંડો ઉર્ફે શક્તિસિંહ ઝાલા અને પ્રકાશ લુણાગરિયા સહિતના બે આરોપીઓના ૨૦૧૭ની સાલમાં થોરાળા પોલીસની કસ્ટડીમાં મોત નિપજ્યા હતાં. જે અંગે થોરાળાના તત્કાલીન પીઆઈ ગડુ અને અન્ય માણસોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પેંડાની કોન્સ્ટેબલ ભરત ગઢવીના મર્ડર કેસમા પણ  સંડોવણી ખૂલી હતી. 

- ત્રણ મહિનાની કાર્યવાહી માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરાઇ

રાજકોટ: પેંડા ગેંગ વિરૂધ્ધ નોંધાયેલા ગુજસીટોકની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસિયાને સોંપવામાં આવી છે. જેમણે માત્ર ચાર દિવસમાં જ પેંડા ગેંગના તમામ સભ્યો વિરૂધ્ધ રાજકોટ અને અન્ય  જિલ્લાઓમાં નોંધાયેલા ૭૧ ગુનાની ચાર્જશીટ, એફઆઈઆર સહિતના કાગળો પોલીસ અને કોર્ટમાંથી મેળવી ૮૦ પાનાની એફઆઈઆર નોંધી હતી. એસીપી બસિયા આ અગાઉ પણ ચડ્ડી બનિયાન ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકની તપાસ કરી ચૂક્યા છે. આ ઉપરાંત મોડાસામાં ફ્રેક્ચર અને સૂકો ડૂંડ ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકની તપાસ કરી ચૂક્યા છે. આ રીતે અત્યાર સુધીમાં ચાર ગુજસીટોકના કેસની તપાસ કરી છે. સામાન્ય રીતે ગુજસીટોક દાખલ કરવાની પ્રક્રિયા લગભગ ત્રણેક માસ સુધી ચાલે છે. જ્યારે પેંડા ગેગ સામે માત્ર ચાર જ દિવસમાં આ કાર્યવાહી ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ કરાવી હતી.