Get The App

જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો 1 - image

પૂર્વ કોર્પોરેટર ૫ણ કડક કાયદાની ઝપટે ચડતા ચકચાર

જાહેરમાં ફાયરિંગ અને હિંસક અથડામણમાં સંડોવાયેલા 29 માથાભારે શખ્સો સામે પ્રથમ મોટી સ્ટ્રાઈકથી લુખ્ખા તત્વોમાં ભારે ફફડાટ

જામનગર: જામનગરના પટણીવાડ વિસ્તારમાં સતત વધતી ગેંગવોર અને અસામાજિક તત્વોના વધતા વર્ચસ્વને નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસને રક્ષણાત્મક નહીં, પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં થયેલા જાહેરમાં ફાયરિંગ અને હિંસક અથડામણની ઘટનાઓને ધ્યાને લઈને બે મુખ્ય ગુનાહિત જૂથોમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગના ૨૯ શખ્સો વિરૂધ્ધ 'ગુજસીટોક'  લગાવીને  કાયદાનો સૌથી કડક સકંજો કસ્યો છે.

થોડા દિવસો પૂર્વે જામનગરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના પટણીવાડ વિસ્તારમાં અસલમ ખીલજી અને અલ્તાફ ખફીના જૂથો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. જાહેરમાં થયેલા ફાયરિંગ અને પથ્થરમારાની આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પાડી હતી. આ બનાવ બાદ તરત જ રેન્જ ડી.આઈ.જી. નિલપ્ત રાય જામનગર દોડી આવ્યા હતા અને માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર ઓપરેશનનું આયોજન કરી આ અસામાજિક તત્વો પર કાયદાનો ગાળિયો કસ્યો છે.

પોલીસે સંગઠિત ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ' (ગુજસીટોક) કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો છે. જેમાં પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજીના જૂથના ૧૮ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ સાથે પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી અને તેના સાગરીતોના જૂથના ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ ૨૯ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આજે જામનગર પોલીસે વહેલી સવારથી જ પટણીવાડ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી અસલમ ખીલજી સહિતના કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ અલ્તાફ ખફી અને તેના સાગરીતો અગાઉના અન્ય ગુનાઓમાં જેલમાં હોવાથી પોલીસ હવે જેલમાંથી જ તેમનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આ કડક કાયદા હેઠળ કાર્યવાહી આગળ ધપાવશે.