For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની શક્યતા

દરિયામાં પવનને કારણે કરંટ હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકિદ કરવામાં આવી

Updated: Jun 3rd, 2023

Article Content Image

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકિદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ભાવનગર, અમરેલી, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત આજે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં 7, 8 જૂને યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં પવનને કારણે કરંટ હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકિદ કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવનની અસર જોવા મળી શકે છે.  

દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે 22થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે. 

હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે  વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે.

Gujarat