GUJCTOC હેઠળ વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, કુખ્યાત બુટલેગર ગેંગના 5 શખ્સોની ધરપકડ, SITએ તપાસ આદરી

Vadodara News: વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે જિલ્લા પોલીસે ગુજસીટોક(GUJCTOC)નો ગુનો દાખલ કર્યો છે. દારૂનું વેચાણ તેમજ પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગની મહિલા સહિત પાંચેયની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો તેની પત્ની સીમા, પુત્ર સચિન તેમજ ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ સહિત પાંચેય સભ્યોની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી. પોલીસને બાતમી મળે અને રેડ કરવા જાય તો પોલીસ પર પણ હુમલો કરતા તેઓ અચકાતા ન હતાં. માત્ર દારૂ વેચાણ જ નહી પરંતુ જુગારની પ્રવૃત્તિ સાથે પણ તેઓ સંકળાયેલા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે રતનપુરની જયસ્વાલ કુંટુંબની ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દમણ અને હિમાચલ પ્રદેશમાંથી ગેરકાયદે દારૂનો જથ્થો મંગાવીને તેના વેચાણની પ્રવૃત્તિ કરતી હતી. પોલીસ તેઓની ધરપકડ કરે તો જામીન મેળવી ફરીથી તેઓ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતાં.
ખોટા દસ્તાવેજો બનાવવા, દારૂની પ્રવૃત્તિ, સરકારી નોકર પર હુમલા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા પાંચેય શખ્સો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે પાંચેયની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજસીટોકના આરોપીઓ નામો
- રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત જયસ્વાલ
- હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ
- સચિન રાકેશ જયસ્વાલ
- સીમાબેન રાકેશ જયસ્વાલ (તમામ રહે.રતનપુર, તા.જી. વડોદરા)
- રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયા (રહે.હીરાબાનગર, બાપોદ જકાતનાકા સામે, વડોદરા)
રેન્જમાં પ્રથમ ગુનો: અમદાવાદ, સુરતમાં પણ નેટવર્ક
મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ જે વડોદરા રેન્જમાં આવે છે તે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર પૈકી વડોદરા જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ ગુનો જિલ્લા પોલીસમાં નોંધાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રતનપુરની જયસ્વાલ ગેંગે વડોદરા જિલ્લા ઉપરાંત, અમદાવાદ, સુરત તેમજ છોટાઉદેપુર જિલ્લામાં નેટવર્ક ઊભું કર્યું હતું.
રતનપુરની જયસ્વાલ ગેંગ સામે 33 ગુના
વડોદરા નજીક રતનપુર ગામની જયસ્વાલ ગેંગના પાંચેય સભ્યો સામે કુલ 33 ગુના નોંધાયા છે. જેમાં ખુનની કોશિષ, પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ, બોગસ દસ્તાવેજો બનાવવા, સરકારી નોકર પર હુમલો દારૂનો સંગ્રહ, વેચાણ સહિતનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે રાકેશ ઉર્ફે લાલા સામે 31 ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ સામે 12, પત્ની સીમાબેન સામે 7, પુત્ર સચિન સામે 5 અને નોકર રાજેશ ઉર્ફે ખન્ના સામે 3 ગુના નોંધાયા છે. પોલીસના જણાવ્યા મુજબ રાકેશ ઉર્ફે લાલાની બે વખત પાસા હેઠળ અટકાયત થઇ છે જ્યારે તેના ભાઇ, પત્ની અને પુત્રની એક-એક વખત પાસામાં અટકાયત થઇ છે.