ઉનાળાના 2 માસમાં ગુજરાતના જળસંગ્રહમાં 18 ટકાનો ઘટાડો
નવેમ્બરમાં ડેમો છલોછલ હતા તેમાં 45 ટકા સ્ટોરેજ ઘટયું : રાજ્યમાં હાલ 4,56,559 (51.19 ટકા) અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 30398 MCFT (૩૩.૨૫ ટકા) સંગ્રહ
રાજકોટ, : અસહ્ય અસામાન્ય તાપમાન વચ્ચે ગુજરાતમાં ઉનાળાના ગત બે માસમાં રાજ્યના જળાશયોમાં 18.14 ટકા સ્ટોરેજનો ઘટાડો થયો છે. તા. 1 માર્ચના રાજ્યમાં 6.18 લાખ MCFTનો જળસંગ્રહ તા. 1 મેના ઘટીને 4.56 લાખ MCFT થયો છે. તો પાંચ માસની સ્થિતિ જોઈએ તો ગત વર્ષે ધોધમાર વરસાદ પછી તા. 1 નવેમ્બરે રાજ્યના ડેમોમાં 96.45 ટકા એટલે કે 8.60 લાખ એમ.સી.એફટી. જળસંગ્રહ હતો તેમાં 45 ટકાનો ઘટાડો થયો છે.
સૌથી વધારે ઘટાડો સૌરાષ્ટ્રમાં 25.6 ટકાનો નોંધાયો છે અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 9.56 ટકાનો થયો છે. જો કે આ ઘટાડા પછી પણ ગુજરાતના જળસંગ્રહનું ચિત્ર ગત વર્ષની સ્થિતિએ સરખામણીએ સારૂ છે. ગત વર્ષે રાજ્યમાં તા. 1 મેના 4,05,835 સામે આ વર્ષે 4,56,559 એટલે કે 50.723 MCFTનો જળસંગ્રહ વધારે છે. સૌરાષ્ટ્રમાં પણ ગત વર્ષ કરતા આ વર્ષે 10,530 MCFT પાણી વધુ એટલે કે આજની તારીખે કૂલ 30,398 MCFT સંગ્રહિત છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પણ આજની સ્થિતિએ 2,00,000 MCFTથી વધુ સ્ટોરેજ છે જે ગત વર્ષ કરતા 26,871 MCFT પાણી વધારે છે. આમ છતાં હજુ ચોમાસાથી નોંધપાત્ર જળરાશિ જળાશયોમાં જૂલાઈ કે ઓગષ્ટમાં આવતી હોય છે અને ઉપરોક્ત જળસંગ્રહ એકંદરે છે ત્યારે કેટલાક વિસ્તારોમાં આજની સ્થિતિએ સૌરાષ્ટ્રના કેટલાક ડેમો તળિયાઝાટક થવા લાગ્યા છે જે અન્વયે પાણી પ્રશ્ન છૂટાછવાયા સ્થળે સર્જાવાની શક્યતા નકારાતી નથી. એકંદરે ગુજરાતમાં ગત બે માસમાં ડેમોમાંથી 1,67,749 MCFT પાણીનો ઘટાડો તેમાંથી થતા ઉપાડને લીધે તેમજ બાષ્પીભવન (ઈવોપરેશન) વગેરે વ્યયથી થયો છે. એટલે કે રોજ સરેરાશ 2696 MCFT પાણી ઓછું થાય છે, આ એટલું પાણી છે કે તેનાથી રાજકોટનો આજી ડેમ ત્રણ વખત ભરાય જાય!