બાઓબાબના વૃક્ષના થડમાં ૧૦થી ૧૫હજાર લીટર પાણી સમાય છે
૧૬.૫૦મી. ઘેરાવો ધરાવતું ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું વૃક્ષ
આફ્રિકના લોકોએ વૃક્ષના થડમાં બસ સ્ટોપ, અનાજનું ગોડાઉન, દવાખાનું અને બીયર બાર બનાવ્યું છે
વડોદરા,તા.22 ઓક્ટોબર, સોમવાર
ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને વડોદરા હેરિટેજથી ભરપૂર શહેર છે.૧૦૦થી વધારે વર્ષ જૂના વૃક્ષો આજે પણ શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યારે ભાયલી પાસે આવેલા ગણપતપુરા ગામમાં ૯૦૦ વર્ષ જૂનું ૧૬.૫૦મી. ઘેરાવો ધરાવતું બાઓબાબનું વૃક્ષ આજેપણ અડીખમ ઊભું છે. અને તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં ૧૦થી ૧૫ હજાર લીટર પાણી સમાઈ શકે છે.
નેચરવોકના ૬૦ જેટલા સભ્યોએ આાજે સવારે ગણપતપુરામાં આવેલા હેરિટેજ વૃક્ષ બાઓબાબની મુલાકાત લીધી હતી. આ વૃક્ષ વિશે વાત કરતા નેચરવોકના સભ્ય અરુણ મજુમદારે કહ્યું કે, ૧૦૦ જેટલા લોકો બાથ ભીડીને ઊભા રહે તેટલુ આ વૃક્ષનું થડ છે. ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ માનવામાં આવે છે. શહેરમાં ફક્ત લક્ષ્મીપુરા અને સુભાનપુરા વિસ્તારમાં બાઓબાબનું વૃક્ષ આવેલું છે. પણ ત્રણ લોકો બાથ ભીડી શકે એટલું નાનું છે. ગુજરાતમાં માત્ર વડોદરા, વાપી અને ઉંમરગામમાં આ વૃક્ષ જોવા મળે છે. પાણીનો ભરાવો થતાં આ તોતિંગ વૃક્ષ કલાલી તથા સેવાસી નેચર પાર્ક પાસે પડી ગયા હતા.![]() |
સાઉથ આફ્રિકામાં લોકોએ 6000 વર્ષ જૂના બાઓબાબ વૃક્ષના થડના પોલાણમાં બીયરબાર બનાવ્યું છે. જેમાં 60 લોકો બેસી શકે છે. |
આ વૃક્ષ ગુજરાતમાં 'રૃખડો', 'ઘેલું વૃક્ષ', 'મંકી બ્રેડ ટ્રી', 'ભૂતિયું ઝાડ' વગેરે નામથી ઓળખાય છે. સાઉથ આફ્રિકાના માડાગાસ્કરમાં આવેલું ૧૫૦ ફૂટ ઘેરાવાવાળું બાઓબાબનું વૃક્ષ કાપતા તેમાંથી ૧,૨૫,૦૦૦ લીટર પાણી નીકળ્યું હતું. આ પાણીમાં કેલશ્યમ અને મીનરલનું પ્રમાણ સૌથી વધું હોય છે. આફ્રિકાના લોકોએ ૬૦૦૦ વર્ષ જૂના બાઓબાબના થડના પોલાણમાં બસ સ્ટોપ, પાર્કિંગ સ્ટેન્ડ,અનાજનું ગોડાઉન, દવાખાનું અને બીયર બાર બનાવ્યું છે.જેમાં ૬૦ લોકો આરામથી બેસી શકે છે.
-બાઓબાબ વૃક્ષની વિશેષતા
અરુણભાઈએ કહ્યું કે, આ વૃક્ષ ૩૦૦૦થી ૫૦૦૦ વર્ષ જીવે છે. વૃક્ષની છાલનાં રેસાં એટલા મજબૂત હોય છે કે તેમાંથી આફ્રિકાના લોકો માછલી પકડવાની જાળ બનાવે છે. આ રેસાંમાંથી બનાવેલ કાગળ લાંબો સમય ટકી રહે છે. વર્ષના ૮થી ૯ મહિના આ વૃક્ષ પર એકેય પાન જોવા મળતું નથી. વસંતઋતુમાં જ્યારે આ વૃક્ષ પર પાન આવવાની શરુઆત થાય તેના બે અઠવાડિયામાં જ વરસાદ આવે છે.
-ચોરી કરવા જતાં ચોર ભૂતિયા વૃક્ષમાં દીવો કરે છે!
એક માન્યતા પ્રમાણે ચોર આ વૃક્ષને પવિત્ર માને છે. એટલે ચોરી કરવા જતાં પહેલા બાઓબાબના વૃક્ષના થડ પાસે દીવો કરે છે. અને ત્યારબાદ ચોરી કરવા જાય છે. સામાન્યરીતે વૃક્ષની છાલ કોફી કલરની હોય છે જ્યારે આ વૃક્ષની છાલ રાખોડી રંગની છે એટલે ચાંદની રાતમાં ચમકે છે. જેથી તે 'ભૂતિયા વૃક્ષ' તરીકે ઓળખાય છે.
-માવાનું શરબત યુપી-એમ.પીમાં ખૂબ વેંચાય છે
બાઓબાબ વૃક્ષની છાલમાંથી જે ખટ્ટમીઠો માવો નીકળે તેમાંથી શરબત બનાવાય છે. આ શરબત ઉનાળા દરમિયાન યુપી અને એમ.પીના લોકો ખૂબ પીએે છે. તેના ફળમાં સંતરા કરતા પાંચગણું વીટામીન-સી હોવાથી વાંદરાઓનો મનપસંદ ખોરાક છે. આફ્રિકાના આદિવાસી લોકો આ ઝાડના પાનને કૂટીને પાણીમાં નાંખે છે. તેેમાંથી ઉત્પન્ન થતાં ફીણની મદદથી કપડાં ધૂએ છે.