ગુજરાતની શુદ્ધ-હાઇજેનિક હેલ્ધી ફૂડ ખાદ્ય ખોરાકની વિશ્વમાં બ્રાન્ડ ઈમેજ ઊભી કરાશે: CM
- ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક- પ્રદર્શનનો પ્રારંભ
- ફૂડ-હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝની ચેલેન્જને ધ્યાનમાં રાખી આ ક્ષેત્રે નવા ઇનોવેશન્સ અપનાવીએ
ગાંધીનગર, તા. 19 ડિસેમ્બર 2019 ગુરૂવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક 2019 પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, સર્વિસ સેકટર અને એગ્રી સેકટરમાં સર્વગ્રાહી વિકાસથી અગ્રેસર છે. હવે, શુદ્ધ – હાઇજેનીક અને હેલ્ધી ફૂડ ખાદ્ય – ખોરાકથી વિશ્વમાં ગુજરાતી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની નેમ છે
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, હવે સમય બદલાયો છે અને લોકોને પોતાની હેલ્થ-આરોગ્યની સતત ચિંતા છે. એટલું જ નહિ, લોકો હેલ્ધી ફૂડ પ્રત્યે સજાગ થયા છે ત્યારે ગુજરાતની ખાન-પાન ચીજવસ્તુઓ પણ ઓર્ગેનિકથી આગળ વધીને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ બની છે. આપણી આ શુદ્ધતાનું હાઇજેનીક ફૂડનું માર્કેટીંગ ગ્લોબલી થાય તે માટે આવા પ્રદર્શનો ઉપયુકત માધ્યમ છે.
ખાદ્ય ખોરાક-2019ની આ પ્રદર્શની ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે તા.19થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહી છે. આ પ્રદર્શનીમાં 1,100 જેટલા વિવિધ સ્ટોલ્સમાં 1 હજારથી વધુ પ્રોડકટસ પ્રદર્શિત થવાની છે.
મુખ્યમંત્રીએ આ પ્રદર્શનીનો પ્રારંભ કરાવતાં ખાદ્ય ખોરાક-2019 ડિરેકટરીનું વિમોચન તેમજ સોલાર પાણીપૂરી મશીન, ઓટોમેટિક પ્રસાદ ડિસ્પેન્સીગ મશીન તેમજ મુવેબલ એરકન્ડીશન્ડ સોલાર કોલ્ડ રૂમના પણ લોન્ચીંગ કર્યા હતા.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
વિજય રૂપાણીએ કહ્યું કે, દર વર્ષે આવા પ્રદર્શનો યોજીને શુદ્ધતા-સ્વચ્છતા અને હાઇજેનીક દ્વારા ખાન-પાન વ્યંજન માટેના નવા ઉપકરણો, સંશોધનોથી લોકોમાં ખાવા-પીવાની ઇચ્છામાં ભરોસો-વિશ્વાસ વધે તેવું આ આયોજન છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ખાન-પાનનો સીધો સંબંધ માનવીની તંદુરસ્તી સાથે જોડાયેલો છે. આપણી સંસ્કૃતિમાં ખોરાક-અન્નને મા અન્નપૂર્ણાના આશિષ કહેવાયો છે ત્યારે એવો શુદ્ધ-ચોખ્ખો-સાત્વિક અને હાઇજીન ફૂડ સમાજમાં સૌના પેટનો ખાડો પૂરે અને કીડની, લીવર, હ્વદયના રોગ, કેન્સર, જેવા રોગનો સામનો ન કરવો પડે તેની તકેદારી પણ એટલી જ આવશ્યક છે.
તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રી અને હોસ્પિટાલીટી સેકટરમાં આવનારા દિવસોના પડકારો-ચેલેન્જીસ સામે નવા ઇનોવેશન્સ-નવા આઇડીયાઝથી નયા ભારતના નિર્માણ માટે ફૂડ ઇન્ડસ્ટ્રીના ઊદ્યોગકારો-પ્રદર્શકોને આહવાન કર્યુ હતું. આ પ્રદર્શનીમાં એ વિષયે પણ સાથે મળીને વિચાર-વિમર્શ થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.