ગૌરવની ક્ષણ: ગુજરાતના પ્રતિષ્ઠિત 'ગરબા'ને વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન, UNESCOની યાદીમાં સામેલ
યુનેસ્કો દ્વારા 'ગરબા'ને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો
ભારત સરકારે ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો
ગુજરાત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. કારણ કે યુનેસ્કો દ્વારા આજે 'ગરબા'ને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો છે. આ માટે ભારતે ગુજરાતની પ્રતિષ્ઠિત પરંપરાગત નૃત્ય શૈલી ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો. જેને આખરે વિચારને સ્થાન અપાયું છે.
ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનેસ્કોના આ નિર્ણયની માહિતી આપી છે. યુનેસ્કો દ્વારા આ અંગે યુનેસ્કોની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ માહિતી અપાઈ છે.
વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે ખુશી વ્યક્ત કરી છે. ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે 9 દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે. ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર લખ્યું કે, માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની
યુનેસ્કો દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.
ગુજરાત માટે ગર્વ: ગરબાને યુનેસ્કો લિસ્ટમાં અમૂર્ત સંસ્કૃતિક વારસાની ઓળખ
ગરબા એ એક ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય છે જે ગુજરાતમાં નવરાત્રીના હિન્દુ તહેવારના પ્રસંગે કરવામાં આવે છે, જે સ્ત્રી શક્તિ અથવા 'શક્તિ'ની ઉપાસનાને સમર્પિત છે. યુનેસ્કોએ ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપ્યું છે. જે 2003ના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેના સંમેલનની જોગવાઈઓ હેઠળ સેફગાર્ડિંગ કમિટીની ઇન્ટરગવર્મેન્ટલ સમિતિની 18મી બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે બે વર્ષ પહેલા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવવા પ્રસ્તાવ મુકાયો હતો. જે યુનેસ્કોએ સ્વીકાર્યો હતો.
આ યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતના ગરબા ભારતમાંથી 15મું ICH એલિમેન્ટ છે. નૃત્ય સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક અને ભક્તિના મૂળમાં ઊંડે ઊંડે જડાયેલું છે, જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એકસાથે લાવતી જીવંત જીવન પરંપરા તરીકે આગળ વધતી રહે છે.
સાંસ્કૃતિક મંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી
પૂર્વોત્તર ક્ષેત્રના સાંસ્કૃતિક, પર્યટન અને વિકાસના કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ એક ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે આ યાદી વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વ હેઠળની સરકારના આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓને પ્રદર્શિત કરવાના અથાક પ્રયાસોની સાક્ષી છે.
ગરબા આયોજકોમાં ખુશીનો માહોલ
યુનેસ્કોના નિર્ણય બાદ ગરબા આયોજકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ગરબા આયોજકોએ કહ્યું કે, આ ગર્વની વાત છે કે, આજે ગરબાને આ ગૌરવ મળ્યું છે. ગરબા ગુજરાતની સંસ્કૃતિને વ્યક્ત કરે છે. ગરબા આયોજનોમાં માં અંબેની આરાધના થાય છે. આ આયોજનોમાં માં જગદંબાનો સાક્ષાત નિવાસ હોય છે. ગુજરાતના શહેરોમાં વિશાળ ગરબાઓનું આયોજન થાય છે, જ્યારે ગામડાઓમાં શેર ગરબાની રમઝટ હોય છે. સૌથી મોટા ગરબાનું આયોજન વડોદરામાં થાય છે.