ગુજરાતનો પ્રથમ રબર ડેમ, જાણો કઈ નદી પર અને કઈ જગ્યાએ બનાવાશે
Chhotaudepur News : રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ચોમાસાની સિઝન બાદ જળસ્તરમાં ઘટાડો થતાં લોકોને પાણી સમસ્યા બહુ રહે છે. આ વિસ્તારોને રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે રાજવાસણા ગામ ખાતે રાજ્યનો પ્રથમ રબર ડેમ હિરન નદી પર નિર્માણ કરવાથી આ વિસ્તારોમાં વર્તાતી પાણી અછતને પહોંચી વળાશે. આમ આગામી સમયમાં બોડેલી સહિતનો વિસ્તારોમાં રેડમાંથી ગ્રીન ઝોનમાં પરિવર્તિત થશે.
રાજ્યમાં પ્રથમ રબર ડેમનું નિર્માણ થશે
મળતી માહિતી મુજબ, રાજ્યમાં પ્રથમ રબર ડેમનું નિર્માણ હિરન નદી પર તૈયાર કરાશે. જેને લઈને રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા છે. છોટાઉદેપુરનો બોડેલી તાલુકો જળસ્તર નીચે જવાથી રેડ ઝોનમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વર્ષ 1958માં બનાવેલા જેડ બાદ જળસ્તરમાં વધારો નોંધાયો હતો. રેતી અને કાંપના લીધે ડેમનું મેન્ટેનન્સ ન થયું અને ડેમના દરવાજા જામ થયા હતા.
આ પણ વાંચો: વ્યાયામ શિક્ષકોની આપવીતી: 'નેતાઓ રિબનો કાપે છે અને અમે 45 ડિગ્રી ગરમીમાં આંદોલન...'
જ્યારે હવે સરકારે રબર ડેમ બનાવવાની મંજૂરી આપી છે, ત્યારે ખેડૂતોમાં આનંદ છવાયો છે. હિરન નદી પર ડેમના નિર્માણ કાર્યને લઈને એજન્સીની નિમણૂક કરીને વર્ક ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. રાજવાસણા ખાતે હિરણ નદી પર બે ફેઝમાં કામ કરાશે.