ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયને છેલ્લી ઘડીએ 6 મહિનાનું એક્સટેન્શન, આજે જ નિવૃત્ત થવાના હતા
Gujarat DGP News: ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી, ત્યારે છેલ્લી ઘડીએ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. ગુજરાતના વર્તમાન પોલીસ વડા (DGP) અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા તેમની નિવૃત્તિ બાદની વિદાયની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે. આજે (30 જૂન)ના રોજ વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. તેમને એક્સટેન્શન નહીં મળે તો નવા DGP તરીકે કોણ આવશે તે અંગે પણ પોલીસ બેડામાં અનેક નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, આ તમામ ચર્ચાઓનો હાલ તો અંત આવી ગયો છે. આમ DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, ત્યારે તેમણે 1 જુલાઈથી 31 ડિસેમ્બર, 2025 સુધી રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવશે.
કોણ છે વિકાસ સહાય?
મળતી માહિતી મુજબ, વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. તેમણે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી તાલીમ મેળવી હતી. IPS વિકાસ સહાયએ ગુજરાતમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. જેમાં તેમણે અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં IPS વિકાસ સહાયની નોંધપાત્ર ભૂમિકા રહી છે.