ગુજરાતીઓનું ગુજરાતી કલ્ચર નાસા સ્ટેશન, આર્કટિક સર્કલથી માંડી 129 દેશો સુધી ફેલાયેલું
Gujarati Culture : પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો બન્યા. મહારાષ્ટ્રના નવાપુરાનું રેલ્વે સ્ટેશન અને ત્યાંનો બે રાજ્યોમાં વહેંચાયેલો એક બાકડો આજે પણ મુંબઈ રાજ્યમાંથી બનેલા ગુજરાત રાજ્યનો ઐતિહાસિક પુરાવો છે. આ રેલવે સ્ટેશનનો 500 મીટર ભાગ ગુજરાતમાં અને 300 મીટર મહારાષ્ટ્રમાં છે. 1961 પછી ગુજરાત અને તેની ગુજરાતી ભાષા યુનાઇટેડ નેશન્સના 190માંથી 129 દેશોમાં પોતાનો ડાયોસ્પોરિક વિસ્તાર ધરાવે છે.
ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા પણ સદીઓથી ગુજરાતીઓએ અરબ સાગરને ખેડીને યુરોપ સુધીના દેશોમાં તો પોતાને વિસ્તાર વધાર્યો જ હતો. પરંતુ હાલની વાત કરીએ તો છેક આર્કટિક સર્કલ એટલે કે કેનેડના ઉત્તર છેડે આવેલા યેલોનાઇફમાં પણ ગુજરાતી સમુદાય વસે છે અને ગુજરાતી ભાષા બોલાય છે. આફ્રિકાના મડાગાસ્કરમાં ગુજરાતી મેગેઝીન અને નવરાત્રિનો માહોલ જામે છે. જ્યાં વિશ્વના સામાન્ય પ્રવાસીઓ જવા ટેવાયેલા નથી તેવા તમામ દેશોમાં ગુજરાતીઓ એ પોતાના ઘર બનાવ્યા છે.
ગુજરાતી ડાયસ્પોરામાં ગુજરાતી ભાષા ક્યાં ક્યાં વપરાઈ છે તેવા પ્રશ્ન સામે સુનિતા વિલિયમ્સે જ્યારે 2012માં હેમ રેડિયો દ્વારા નાસા સ્પેસ સ્ટેશનમાંથી ગુજરાતી વિદ્યાર્થીનીઓ સાથે વાતો કરીને ગુજરાતના જોડાણને સ્થાપિત કર્યું હતું. આમ ગુજરાતી ભાષા નાસા સ્પેસ સ્ટેશનથી લઈને આર્કટિક સહિત વિશ્વના 129 દેશોમાં બોલાતી ભાષા છે.
સાત કરોડ ગુજરાતીઓમાં 5,08,031 જેટલી વિવિધ અટકો છે. જેમાંથી ગુજરાતી 10,000થી વધુ અટકો વિવિધ દેશોની સંસ્કૃતિઓમાં ભળીને પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. અમેરિકા, કેનેડા, યુ.કે, યુરોપિયન દેશોમાં પાટીદારોની વિસ્તૃત હાજરી છે. પરંતુ આ ઉપરાંત ગુજરાતના અનેક સમુદાયોએ ગુજરાતી ડાયસ્પોરાનો ભાગ બનીને પોતાની ઓળખ ઊભી કરી છે.
ફિજી, પોર્ટુગલ, મડાગાસ્કર, ઝાંઝીબાર જેવા અલગ ઓળખ ધરાવતા દેશોમાં ગુજરાતના ગરબા સ્પીકરોમાં વાગે છે. મડાગાસ્કરમાં ખોજા સમુદાયે ગુજરાતીપણું સાચવી રાખ્યું છે. અહીં દરેકના ઘરે ગુજરાતી સોવેનિયર અને મેગેઝીન આવે છે. ગુજરાતી તહેવારોની ઉજવણી થાય છે. યુ.કે.ના લેસ્ટરમાંથી પસાર થતાં ક્ષણિક યુ.કે.માં છીએ કે ક્યાંક ગુજરાતમાં જ છીએ એવા ફાફડા-જલેબીની દુકાનો વચ્ચે ગુજરાતી સંસ્કૃતિ સ્થાપિત થઈ ચૂકી છે. કેન્યામાં ગુજરાતી વેપારીઓને ત્યાં કામ કરતાં અનેક આફ્રિકનો પણ ગુજરાતી ભાષા બોલે છે.
પોર્ટુગલમાં તો એક સમયે ત્યાંના રેડિયોમાં ગુજરાતી કાર્યક્રમો થતાં. સૌરાષ્ટ્રના વાંઝા દરજી સમાજે પોર્ટુગલમાં પોતાના વ્યવસાય થકી આગવી ઓળખ ઊભી કરી છે. 1લી મેના 1960ના રોજ મળેલું નાનકડું ગુજરાત હવે ગુજરાત વિશ્વના 129 દેશોમાં ધબકે છે. ગુજરાતી ડાયસ્પોરા ભારતીય ડાયસ્પોરાનો 33 ટકા હિસ્સો ધરાવે છે. આમ વિદેશ ગયેલા કુલ ભારતીયોમાંથી ત્રીજા ભાગના ગુજરાતીઓ છે. અમેરિકા, યુ.કે., કેનેડા, ફિજી, મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુએઈમાં ગુજરાતી શીખવા માટે ઘણી જગ્યાએ ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે.