ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી

Gujarat Rain Forecast: દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે. એવામાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં ધોધમાર વરસાદ સાથે 'મિની વાવાઝોડા' જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં વરસાદ અને નુકસાન
બુધવારે (23 ઓક્ટોબર) વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ધરમપુરના ફૂલવાડી, ઝરીયા, ભેંસધરા, બરોલિયા, ધામણી અને બીલપુડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લા સેવાસદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું, અને વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાત માટે આગાહી:
દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 21 થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 23 ઓક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ પડશે. 22 થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23 થી 24 ઓક્ટોબર સુધી કર્ણાટકના દરિયાકાંઠાના પણ ભારે વરસાદનું અનુમાન છે.
22 થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે.