Get The App

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Cold Wave News


Gujarat Cold Wave News: ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં થયેલા મોટા ઘટાડાને કારણે સમગ્ર રાજ્ય ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠુંઠવાયું છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે રાજ્યના ત્રણ સ્થળોએ તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે, જેમાં નલિયા 4.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. નોંધનીય છે કે નલિયામાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 4.2 ડિગ્રીનો ધરખમ ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં કોલ્ડ વેવની અસર

અમદાવાદ શહેરમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે અને તાપમાનનો પારો એક જ દિવસમાં 2.7 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી પર પહોંચતા શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં અમરેલી 8.6 ડિગ્રી અને રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠંડીમાં ઠુંઠવાયા છે. 

આ પણ વાંચો: હની ટ્રેપથી સાવધાન : અમદાવાદના બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા

ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન

અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 10.8, ડીસામાં 10.1, ભુજમાં 11.2, દાહોદમાં 11.7, કંડલામાં 11.9, પોરબંદર અને ડાંગમાં 12.8, ભાવનગરમાં 13.8, વડોદરામાં 14.0, દ્વારકામાં 14.2, સુરતમાં 15.0 અને જામનગરમાં 15.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના પરિણામે બે દિવસ પછી લોકોને આ આકરી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે તેમ છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં 2 - image