4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગનું અપડેટ
Gujarat Weather News : ગુજરાતમાં ખેડા, અમદાવાદ, બનાસકાંઠાનો જાણે વરસાદે વારો પડ્યો હોય એમ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અઠવાડિયા સુધીના વિરામ બાદ ગત રાત્રિથી આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને બનાસકાંઠાના વડગામમાં તો જાણે આભ જ ફાટી પડ્યું છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 9 ઈંચ તો વડગામમાં પણ 9 ઈંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગને કરેલી નવી આગાહીએ ચિંતા વધારી દીધી છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ચારેય જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ
જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.