શુષ્ક હવામાન, વધશે તાપમાન: મતદાનના દિવસે કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? જાણો આગાહી
Gujarat Weather : અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે આજે શુક્રવારના રોજ હવામાન વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે.
7 મે રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધારે તાપમાન રહેવાની શક્યતા
મે મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં તાપમાનનો પારો ઉછળવાનો શરુ થઈ ગયો છે. અને તેમા પણ મે મહિનાના પહેલા જ અઠવાડિયામાં એટલે કે 7, મે 2024 રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 મેના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર સર્જાશે, અને તાપમાનનો પારો પણ 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મતદાનના દિવસે અમદાવાદમાં આ સિઝનનું સૌથી વધારે તાપમાન નોંધાય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
અહીં હીટવેવ સહિત યલો એલર્ટની જાહેરાત
આજે શુક્રવારે હવામાન વિભાગના ડાયરેક્ટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે, આગામી 3-5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે. જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવ સહિત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ચોથા અને પાંચમા દિવસે અમદાવાદ અને આસપાસના શહેરોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાત ઉપર આવતા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી કરીને ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા વધુ છે.
ગઈકાલ અમદાવાદનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેને લઈને ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યનાં અન્ય સાત શહેરનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રીને પાર હતું. જેમાં ગત રોજ સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે,મતદાનના દિવસે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો થઈને મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગના ડાયરેક્ટરે વ્યક્ત કરી હતી.