ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા વિવિધ પ્રશ્ન સામે કયા મંત્રીએ કેવા જવાબો આપ્યા?
ગાંધીનગર, તા. 11 જુલાઇ 2019, ગુરૂવાર
કચ્છ જિલ્લામાં પાંચમાંથી બે લિગ્નાઈટ ખાણો બંધ : ઉર્જા મંત્રી
ઉર્જા મંત્રી સૌરભ પટેલે વિધાસભામાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લિગ્નાઇટની ખાણોથી રોજગારીની તકો વધી છે અને ઉદ્યોગોને ફાયદો થયો છે. કચ્છ જિલ્લામાં લિગ્નાઈટની ખાણો અંગેના જવાબમાં માહિતી આપતાં જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ ખાણો ચાલું છે અને બે ખાણો બંધ છે.
નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય ઇકો સેન્સેટીવ ઝોનને કારણે બંધ છે અને બીજી ખાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂર્ણ થયેલ છે. જુલરાઈ, વાધા, પધ્ધર વિસ્તારમાં ઈકૉ સેન્સીટીવ ઝોનના ‘ના વાંધા પ્રમાણપત્ર’ રજૂ થયેથી ચાલુ કરવામાં આવશે.
---------------------------
રાજ્યના MSME. એકમોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: મંત્રી સૌરભ પટેલ
ઉદ્યોગ મંત્રી તરીકેનો હવાલો ધરાવતા સૌરભ પટેલે વિધાનસભા ખાતે જણાવ્યું છે કે, રાજ્યમાં સ્થાનિક સ્તરે રોજગારીનું પ્રમાણ વધે તે માટે MSME એકમોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગોને સહાય પૂરી પાડવામાં આવે છે.
વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં MSME એકમોને ગુણવત્તા સુધારણા યોજના હેઠળ અરજીઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 19 અરજીઓ મળી હતી તે પૈકી 13 અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમને રૂ.15.57 લાખનું ચુકવણું કરાયું છે.
---------------------------
વડોદરાના લાર્સન એન્ડ ટુબ્રોના નોલેજ સિટી સેઝમાં 8 હજારથી વધુ લોકોને રોજગારી પુરી પડાઇ છે: ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ
- 90 ટકા એન્જીનીયર અને 10 ટકા અન્ય લોકોને રોજગારી
ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓને રોજગારી માટે સેઝ પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારે વડોદરા ખાતેના લાર્સન એન્ડ ટુબ્રોના કાર્યરત સેઝમાં ૮ હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
વિધાનસભા ખાતે મે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને સેઝ પાર્ક સ્થાપવાની મંજૂરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે સેઝની સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો અને આજે રાજ્યમાં અનેક સેઝ શરૂ થયા છે. જેમાં વડોદરા ખાતેનું L&Tનું સેઝ નોલેજ સિટી તરીકે ઓળખાય છે.
આ નોલેજ સિટીમાં L&Tની ત્રણ કંપનીઓ કાર્યરત છે. જેમાં એન્જીનીયરો દ્વારા વિવિધ પ્રોજેક્ટની ડિઝાઈનો તૈયાર કરવામાં આવે છે. દુનિયાના પાવર, રિફાઇનરી, હાઈડ્રોપાવર સહિતના વિવિધ પ્રોજેક્ટ માટેની ડિઝાઈનો તૈયાર કરાય છે, જેમાં એન્જિનિયર તથા અન્ય રીતે આનુષાંગિક સ્ટાફને રોજગારી પૂરી પાડવામાં આવે છે. 90 ટકા એન્જિનિયરોને રોજગારી અપાય છે તે રીતે રૂ.40,000નો શરૂઆતી પગાર મળે છે સ્થાનિક કક્ષાએ પણ નિયમ મુજબ રોજગારી પૂરી પાડવામાં આવે છે.
---------------------------
તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવે ઇ-ઓકશનથી જ : મંત્રી સૌરભ પટેલ
રાજ્યની તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવેથી સંપૂર્ણ પારદર્શકતાથી ઇ-ઓકશન દ્વારા જ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 686 ગૌણ ખનીજ બ્લૉક માટેની અરજીઓમાંથી 200 બ્લૉકની ઇ-ઓકશનની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણયથી છેલ્લા બે વર્ષમાં ગૌણ ખનીજ બ્લૉકની મંજૂરી ઇ-ઓકશન દ્વારા અપાતી હોવાથી તેમાં પારદર્શકતા અને ઝડપ આવી છે જેના પરિણામે રાજ્યની ખાણ ખનીજની આવકમાં વધારો થયો છે, તેમ વિધાનસભા ગૃહમાં પાલિતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા દ્વારા ગૌણ ખનીજની જાહેર હરાજીથી નિકાલના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ખાણ ખનીજનો હવાલો ધરાવતા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું.
ભાવનગર જિલ્લામાં તારીખ 31-03-2019ની સ્થિતિએ ગૌણ ખનીજની હરાજી માટે કુલ 20 બ્લૉક ઇ-ઓકશન પોર્ટલ પર હરાજી માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી 15 બ્લૉકની સફળતાપૂર્વક હરાજી પૂર્ણ કરાઇ છે, જ્યારે અન્ય 5 બ્લોકોની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે તેમ મંત્રીશ્રીએ માહિતી આપતા ઉમેર્યું હતું.
---------------------------
હેરિટેજ સિટીના પરિણામે પાટણમાં રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર : નીતિન પટેલ
વૈશ્વિક કક્ષાએ જ્યારે કોઈ સિટીને હેરિટેજ કક્ષાનો દરજ્જો મળે છે ત્યારે તે સિટીનો વિકાસ હેરિટેજ સાઇટના માપદંડ પ્રમાણે કરવામાં આવતો હોય છે. આ જ કારણે પાટણ શહેરની રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર થયો છે. પાટણ જિલ્લા કલેકટરશ્રી દ્વારા રેલવેને આ અંગે જાણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી પાટણને રેલવે લાઇનથી દિલ્હી સાથે જોડવામાં આવી રહ્યું છે. રેલવેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેલવેની એન.ઓ.સી. બાદ પાટણ શહેરની નગર રચના યોજના-રને ફાઇનલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પાટણ શહેરની ટીપી સ્કીમોને મંજૂર કરવા અંગેના પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શહેરી વિકાસ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થવાથી અન્ય રાજ્યોના લોકો ગુજરાતની મુલાકાતે આવે છે. જેમાં પાટણ, ચાંપાનેર અને અમદાવાદ જેવા હેરિટેજ શહેરોની ભૂમિકા ખૂબ અગત્યની છે. આ શહેરોનો વધુ વિકાસ માટે ટી.પી. જાહેર કરવી જરૂરી છે તેમ નાયબ મુખ્યમંત્રીએ વધુ વિગત આપતા ગૃહમાં કહ્યું હતું.
------------------------
શેત્રુંજી નદીનો ઈકૉ સેન્સીટીવ ઝોનનો પ્રશ્ન હાઇકોર્ટનો ચુકાદો આવ્યે કાર્યવાહી: રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીનો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થવાના કારણે કાયદેસર માઇનિંગ માટે લીઝ અપાતી નથી અને ગેરકાયદેસર રીતે માઇનિંગ થાય છે આ પ્રશ્ન હાઈકૉર્ટમાં પેન્ડિંગ છે.
કોર્ટનો ચુકાદો આવ્યેથી યોગ્ય નિર્ણય કરીને ઝડપથી હરાજી કરીને માઇનિંગ માટે લીઝ ફાળવવામાં આવશે. આજે વિધાનસભા ખાતે અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા લીઝોના ચેકિંગના વિપક્ષી નેતાનાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વિધાનસભા ખાતે ખાણ ખનીજનો હવાલો ધરાવતા મંત્રી સૌરભભાઇ પટેલે આ પ્રશ્નની વધુ વિગતો આપતા કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા ત્રણ વખત દરોડા પાડીને ખાણ/લીઝનું ચેકિંગ કરાયું છે. આ ચેકિંગ દરમિયાન રૂ.1031.57 લાખની ખનીજચોરી પકડવામાં આવી છે. આ સંદર્ભે રૂ.10.98 લાખની વસૂલાત કરવામાં આવી છે અને ચાર વ્યક્તિઓને દંડ ભરવા નોટિસ પણ આપવામાં આવી છે
---------------------------
રાજ્યના દરિયાઇ વિસ્તારોનો વિકાસ કરવા માટે સરકાર પ્રયત્નશીલ : નીતિન પટેલ
દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં તેના વિકાસ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. આજે ગાંધીનગર વિધાનસભા ગૃહમાં અકોટાના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટે યોજના અંગેનો પૂછવામાં આવેલ લેખીત પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર આપતાં વધુમાં ઉમેર્યું કે, તારીખ 31-03-2019ની સ્થિતિએ કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટેની યોજના છે.
જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા કોસ્ટલ કાર્ગોના વહનમાં વધારો થાય તે માટે સિડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસના કાર્ગો રીલેટેડ ચાર્જમાં જેમ કે વાર્ફેજ દરોમાં 20 ટકાની છૂટ આપેલ હતી. જે 2019માં વધારીને 40 ટકા કરવામાં આવેલ છે. જ્યારે વેસલ રિલેટેડ ચાર્જમાં ફોરેન વેસલની સરખામણીમાં 50 ટકા ઉપર છૂટ આપવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા ખાદ્ય અનાજ, ખાતર, ફ્રિશરીઝ અને પશુપાલન જેવા કાર્ગોને ફોરેન વેસલ મારફતે કોસ્ટલ વહન કરવા માટે મંજુરીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવેલ છે. જેમનું ગુજરાત સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ લેવા માટે બોર્ડ હસ્તકના તમામ બંદરોને બોર્ડ દ્વારા સૂચવેલ છે. તેમજ કોસ્ટલ કાર્ગોને વેગ મળે તે માટે વેપારી એસોસિયેશન સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરેલ હતું. તેમાં થયેલ સૂચન/અભિપ્રાયો મુજબ એક રોડમેપ તૈયાર કરી જેના આયોજન માટે નીતિ નક્કી કરવાનું વિચારણા હેઠળ છે.
વાહન-મુસાફરોના કોસ્ટલ પરિવહન માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે રો-પેકસ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે.
---------------------------
વિધાનસભામાં ખેડૂત દેવા માફી બિલને ભાજપે બહુમતીથી ફગાવી દીધું
- કોંગ્રેસના ધારાસભ્યોએ જય જવાન જય કિસાનના નારા લગાવી ગૃહની અંદર જ સરકારનો જબરદસ્ત વિરોધ કર્યો
ગુજરાત વિધાનસભામાં આજે સાંજે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા ખેડૂત દેવા માફીનું એક બિનસરકારી વિધાયક એટલે કે બિલ રજુ કર્યું હતું જેના પર લગભગ 39 મીનીટ સુધી ચર્ચા ચાલી હતી ત્યારબાદ આ બિલને પાસ કરવા માટે કોંગ્રેસે ભાજપને વિનંતી કરી હતી પરંતુ આ તબક્કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું કહ્યું હતું કે ખેડૂતો પર જે દેવું છે તેને માફ કરી શકાય નહીં પરંતુ ખેડૂતોને આપણે આર્થિક રીતે મજબૂત કરવા માટે વિચારવું જોઈએ એકવાર દેવું માફ કરશો તો પણ ખેડૂતો પર બીજી વખત પણ દેવું થઈ જશે એટલે દેવું માફ કરવો એ વિકલ્પ નથી.
ત્યારબાદ ગૃહમાં બંને પક્ષ તરફથી હોહા થઈ ગઈ હતી કોણ શું બોલે છે તેની ખબર નહોતી પડતી એકબીજા ઉપર આક્ષેપોનો મારો શરૂ થયો હતો. નીતિન પટેલે પણ ગુસ્સામાં આવી કહ્યું હતું કે કોંગ્રેસ પાપી છે આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય ઉભા થઇ ગયા હતા અને વેલ તરફ ઘસવાનું કર્યું હતું.
બીજી બાજુ અધ્યક્ષે પણ બધાને વિનંતી કરી ફરતે બેસાડ્યા હતા તેમજ બીલને ગૃહમાં પાસ કરવા અંગે મત લેવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ અધ્યક્ષ દ્વારા ગૃહમાં આ બીલના સંદર્ભમાં મતદાન લેવાયું હતું જેમાં ભાજપે બહુમતીથી કોંગ્રેસના આ વિધેયકને ઉડાવી દીધું હતું ત્યારબાદ કોંગ્રેસે વિધાનસભાગૃહની અંદર જ છે સરકાર વિરોધી સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
ઉદ્યોગપતિઓની સરકાર નહી ચલેગી નહીં ચલેગી અને જય જવાન જય કિસાનના નારાઓ લગાવ્યા હતા. વિધાનસભાગૃહની બહાર આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો હર્ષદ રીબડીયા અને વિરજી ઠુમ્મરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પર 83 હજાર કરોડથી વધુનું દેવું છે. આ સરકારને ખેડૂતોની કશી પડી નથી.
હવે ભાજપના ધારાસભ્યો ગામડામાં જશે ત્યારે ખેડૂતો તેમને જવાબ આપશે. ભાજપની સરકાર પાપી તથા ખેડૂત વિરોધી અને હત્યારી છે. ખેડૂતો પાંચ ટકા વ્યાજના પૈસા લઈને ખેતીકામ કરતા હોય છે. નીતિનભાઈની વાત સદંતર ખોટી છે ખેડૂતોના ઓજાર અને ખાતર વગેરે જેવી સામગ્રી પર જીએસટી નાખી દેવાયો છે. ખેડૂતો માટે આ બિલ પાસ થયો તે બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તેવું કોંગ્રેસના ધારાસભ્યોને જણાવ્યું હતું.
---------------------------
ખેડૂતો માટે પાક વીમા નાસ્તાને ફંડની રચના કરાશે
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પાક વીમા મુદ્દે વિરોધ પક્ષ દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે જેમાં તથ્ય પણ છે. ખેડૂતો માટે ફરજિયાત પાક વીમો ઉતારવામાં આવે છે જેના પેટે ખાનગી કંપનીઓ વર્ષે ગુજરાતમાંથી અબજો રૂપિયાનું પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઠાવી લે છે પરંતુ તેની સામે ખેડૂતો દ્વારા જે દાવા રજૂ થાય છે તે પૈકી માંથી ખૂબ જ ઓછા ખેડૂતોને ઓછી રકમ ચુકવવામાં આવે છે જેને પગલે અવારનવાર ખેડૂતો આક્રોશ વ્યક્ત કરતા હોય છે.
બીજી બાજુ ખેડૂત દેવા માફી વિધેયકને આજે સાંજે ભાજપ સરકારે બહુમતીથી ફગાવી દીધું હતું જેને લીધે ગુજરાતભરના ખેડૂતો માં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાની છાપ ઉપસી રહી છે.
2020માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે આવી સ્થિતિમાં સરકાર એવું નથી એટલે કે ખેડૂતો પોતાની વિરુદ્ધમાં થઈ જાય આથી ગુજરાત સરકાર પાક વીમાના સ્થાને કૃષિ વિભાગ ફંડની રચના કરવાનું ગંભીર રીતે વિચારી રહી છે તેના માટે કેન્દ્ર સરકારની મંજુરી પણ લેવાની રહેશે.
આ મંજૂરી મળી ગયા બાદ ખેડૂતો માટે એક અલાયદા કૃષિ ફંડની રચના થશે જે રચાયા બાદ ખેડૂતોને પાક વીમા માટે પ્રીમીયમ ચૂકવું નહીં પડે પરંતુ આ પ્રીમિયમને બદલે ફંડમાં રકમ જમા કરાવવાની રહેશે ત્યારબાદ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિમાં આ કૃષિ ફંડમાંથી નાણાકીય મદદ કરાશે.
---------------------------
એન્ટી મની લોન્ડરીંગ સેલ દ્વારા 7 કેસોમાં આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા EDને દરખાસ્ત : પ્રદિપસિંહ જાડેજા
- પ્રોહિબિશનના 9 અને આર્થિક ગુન્હાના 11 આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરાશે
રાજયમાં કાર્યરત એન્ટી મની લોન્ડરીંગ સેલ દ્વારા પ્રોહિબિશનના પાંચ ગુન્હાઓમાં 9 અને આર્થિક ગુન્હાઓના 2 કિસ્સાઓમાં કુલ-11 આરોપીઓ વિરૂધ્ધ પ્રિવેન્શીન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઇઓ હેઠળ તેઓની મિલકતો જપ્ત કરવા ગુન્હો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી માટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટને દરખાસ્ત કરવામાં આવી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું હતું.
ધારાસભ્ય દ્વારા ગૃહમાં પુછવામાં આવેલા મની લોન્ડરીંગ સેલની કામગીરી વિશેના પ્રશ્નમાં પ્રત્યુતર આપતા ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું કે, વિવિધ પ્રકારે ગુન્હાહીત પ્રવૃતિઓ આચરીને કાળા નાણાં ભેગા કરી તે નાણાંને હવાલા કે અન્ય રીતે ધોળા નાણાં કરવાની પ્રવૃતિ કરે તો તે નાણાં તથા તેમાંથી વસાવેલી મિલકતો (સ્થાવર કે જંગમ) ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટને દરખાસ્ત કરવામાં આવે છે.
ગૃહ રાજય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (CID ક્રાઇમ) ના અધ્યક્ષ પદે કાર્યરત એન્ટી મની લોન્ડરીંગ સેલ દ્વારા રૂ.20 લાખથી વધુ રકમના પ્રોહિબિશનના કેસોમાં તેમજ આર્થિક ગુનાના અગત્યના કેસોમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઇઓ હેઠળ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટને દરખાસ્ત કરવામાં આવે છે.
ગૃહ મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, વિશ્વમાં બનતા નવા પ્રકારના ગુન્હાઓને નાથવા કેવા પ્રકારના કાયદા ઘડવા જોઇએ તે અંગે જૂન-1998માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના મળેલ ખાસ સેશનમાં નક્કી થયા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ-2002 ઘડવામાં આવ્યો હતો. જેનો અમલ 2005થી લાગુ કરવામાં આવેલ છે.
આ કાયદાની જોગવાઇ અનુસાર એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના અધિકારી તપાસની કાર્યવાહી કરી શકે છે. વિવિધ પ્રકારના શિડયુલ ગુન્હાઓ જેવા કે, IPC, નાર્કોટીક્સ એક્ટ, આર્મ્સ એક્ટ વગેરે આચરીને નાણાં મેળવે, પોતાના કબજામાં રાખે, તેને છુપાવે, તેનો ઉપયોગ કરે અથવા તે નાણાં કાયદેસર રીતે મેળવેલ હોવાનું દર્શાવે અથવા તેવો પ્રયત્ન કરે તો મની લોન્ડરીંગ કાયદાની જોગવાઇ અનુસાર ગુન્હા માટે દોષિત ઠરે તો આ કાયદાની કલમ-4 હેઠળ ત્રણથી સાત વર્ષ સુધીની કેદની શિક્ષા તેમજ દંડ થઇ શકે છે તેમજ, આવા ગુન્હા કરીને વસાવેલી તમામ મિલકતો પણ જપ્ત થવાપાત્ર છે.