Get The App

કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર : રાજ્ય સરકારે તકેદારીનાં પગલા લેવા કર્યો અનુરોધ

Updated: May 13th, 2024

GS TEAM


Google News
Google News
કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર : રાજ્ય સરકારે તકેદારીનાં પગલા લેવા કર્યો અનુરોધ 1 - image


Rain in Gujarat : રાજ્યમાં આજે (13 મે) અનેક વિસ્તારોમાં ભારે પવન, કરા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. તો વરસાદ પડતા શહેરના લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતીના પાકને નુકસાન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આ વચ્ચે હવે રાજ્ય સરકારે ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ કર્યો છે.

રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

હવામાન વિભાગ દ્વારા આગામી તા. 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા

વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ

વધુમાં જણાવ્યું છે કે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

ખેડૂતો ક્યાંથી મેળવી શકશે માહિતી?

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો તેમ વધુમાં જણાવાયું છે.

કયા તાલુકામાં કેટલો વરસાદ ?

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ પડ્યો છે. તો બોટાદમાં 20 મી.મી. વાસંદામાં 18 મી.મી., ચોટીલામાં 17 મી.મી., ઈડરમાં 14 મી.મી., દાંતામાં 13 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., પ્રાંતિજમાં 12 મી.મી., વઘઈમાં 9 મી.મી., અમીરગઢમાં 8 મી.મી., હિમંતનગરમાં 8 મી.મી., કલોલમાં 3 મી.મી., ગાંધીનગરમાં 2 મી.મી. અને પોશીનામાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.


Tags :