ગુજરાત યુનિવર્સિટીનો એકેડમી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, ત્રણ પ્રોફેસરોને કર્યા સસ્પેન્ડ, એકની સામે તપાસ
એક પ્રોફસરની મહિલા પ્રોફેસરના ફરિયાદના આધારે જ્યારે બે પ્રોફેસરો સામે ગેરકાયદેસર ભરતીમાં ફરિયાદ બાદ કાર્યવાહી
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને કેરિયર એડવાન્સ સ્કીમનો લાભ પણ આપવામાં આવશે
three professors of Gujarat University suspended : ગુજરાત યુનિવર્સિટીમાં આજે ત્રણ પ્રોફેસર પર કાર્યવાહી કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ આ નિર્ણય મહિલા પ્રોફેસરની ફરિયાદના આધારે કરવામાં આવ્યો હતો.
મહિલા પ્રોફેસરે ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી
ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી એકેડમી કાઉન્સિલની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમાજવિદ્યા ભવનના વિવાદાસ્પદ પ્રોફેસરો પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમા પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે મહિલા પ્રોફેસરે ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ માટે એક કમિટી નિમણૂક કરવામાં આવી હતી જેના રિપોર્ટના આધારે પ્રોફેસર મુકેશ ખટીકને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં 17 ગેરકાયદેસર પ્રોફેસરોની ભરતીની પણ ફરિયાદ થયા બાદ ભારતીય સંસ્કૃતિ વિભાગના પ્રોફેસર વનરાજ ચાવડા અને MSW વિભાગના પ્રોફેસર વિપુલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય HPP કોર્સમાં નાણાકીય ઉચાપતની ફરિયાદના પગલે પ્રોફેસર કવલજીત લખતરિયા સામે તપાસ કમિટી નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીમાં 70થી વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ પહેલીવાર સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને કેરિયર એડવાન્સ સ્કીમનો લાભ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી પ્રોફેસરોને પ્રમોશન અને પગાર વધારાની પ્રક્રિયા ચાલી રહી હતી જેને સિન્ડિકેટની મંજૂરી મળતા 70થી વધુ પ્રોફસરોને પ્રમોશન આપવામાં આવશે.