ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકાર નથી આપી રહી મંજૂરી

Teaching Posts Vacant In Gujarat: ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા અનેક વર્ષોથી ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની કામયી ભરતી જ થઈ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી હંગામી ધોરણે કરાર આધારીત જગ્યાઓ ભરીને ટીચિંગ અને નોન ટીચિંગમાં કામગીરી ચલાવવામા આવી રહી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની એટલે કે શૈક્ષણિકની 110 જગ્યાઓ ખાલી છે. 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોઈ નેકની ટીમે પણ આ વર્ષે ઈન્સપેકશન બાદ આપેલા રિપોર્ટમાં જગ્યાઓ ખાલી હોવા મુદ્દે નોંધ કરી હતી. યુનિવર્સિટી દ્વારા નવી જગ્યાઓ સાથે ખાલી જગ્યાઓ ભરવાની-ભરતી કરવીની મંજૂરી માંગી છે, પરંતુ હજુ સુધી સરકારે પણ મંજૂરી આપી નથી. હવે ભરતી કયારે થશે તે મોટો સવાલ છે.
અગાઉની ભરતી પ્રક્રિયાઓ રદ થઈ
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લે ઘણાં વર્ષો બાદ ઓક્ટોબર 2022માં ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની અનેક જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે મોટી ભરતી જાહેર કરી હતી. જે અંતર્ગત સૌપ્રથમ નોન ટીચિંગ પોસ્ટ માટે અરજીઓ મંગાવી લેવાઈ હતી અને ઈન્ટરવ્યુ પણ ગોઠવી દેવાયા હતા. પરંતુ આંતરિક વિવાદ વચ્ચે આ ભરતી રદ કરી દેવાઈ હતી, જ્યારે ટીચિંગ પોસ્ટ માટે આગળ કોઈ પ્રક્રિયા જ થઈ ન હતી. આ દરમિયાન જુલાઈ 2023માં કોમન યુનિવસિટી એક્ટ લાગુ થઈ ગયો હતો અને ત્યારબાદ અગાઉનાં તમામ ભરતી પ્રક્રિયા રદ કરીને ઉમેદવારોને 50 લાખ જેટલી અરજી ફી પાછી આપી દેવાઈ હતી. પરંતુ ત્યારબાદ ફરીવાર નવી ભરતીને લઈને કોઈ પ્રક્રિયા થઈ નથી કે જાહેરાત થઈ નથી. દર વર્ષે ઓક્ટોબરમાં ટીચિંગ-નોન ટીચિંગમાં કામયી અધ્યાપકો-કર્મચારીઓ નિવૃત થતા જાય છે અને જગ્યાઓ ખાલી પડતી જાય છે.
હાલ યુનિવર્સિટીમાં ટીચિંગમાં 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. ઘણાં ડિપાર્ટમેન્ટમાં તો માંડ એકથી બે અધ્યાપક છે અને તેમા પણ સીનિયર અધ્યાપકો છે નહીં, પરંતુ કોમન એક્ટની જોગવાઈઓ તેમજ અસ્પષ્ટતાઓ અને વિલંબીત મંજૂરીઓ વચ્ચે ભરતી જ થઈ શકતી નથી. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગમાં એજન્ડમાં ભરતીની બાબત મુકાઈ હતી. જેમાં જણાવાયુ હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગના પત્ર મુજબ ખાસ કિસ્સામાં દિવ્યાંગ કેટેગરીની ભરતી કરવા બાબતે વિચારણા કરવી અને અગાઉ કોઈ આદેશ ન મળતાપુનઃચર્ચા વિચારણા કરવી. જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગે ગત મે 2025માં મંજૂર કરેલી 6 જેટલી કાયમી જગ્યાઓ જાન્યુઆરી 2026 સુધીમાં ભરતી કરવા જણાવ્યું છે. પરંતુ મંજૂર શૈક્ષણિક મહેકમ અંતર્ગત કુલ 110 શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા કરવી પડે તેમ છે. જેમાં દિવ્યાંગની 10 જગ્યા છે.
'નૅક'ના ગ્રેડિંગમાં ટીચિંગ પોસ્ટની ખાલી જગ્યાઓ મુદ્દે ટકોર
110 જગ્યાની ભરતીની મંજૂરી માટે સરકરારમાં દરખાસ્ત કરવા વિચારણા કરવી તેવુ મંજૂર થયુ હતું. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા સરકારને અનેકવાર ભરતી માટે મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે. હવે સરકારે ડિસેમ્બર પહેલા મંજૂરી આપવી પડે તેમ છે. મહત્ત્વનું છે કે નેકની ટીમે ઇન્સ્પેક્શન સમયે અનેક ટીચિંગ પોસ્ટ ખાલી હોવા મુદ્દે રિપોર્ટમાં ખાસ ટકોર કરી હતી. જેની અસર પણ ગ્રેડિંગમાં દેખાઈ હતી.

