ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દીધી
Gujarat Univercity News : ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી. તેમણે તરત જ આ બોટલ ઉપાડીને ધીમેથી કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. નિરજા ગુપ્તાએ મીડિયાની નજરથી દૂર રહેવા માટે તે બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ સમગ્ર ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વહીવટ પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.