દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન', ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tourist Police Station Gujarat: ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
પ્રથમ તબક્કે આ 3 જિલ્લાઓની પસંદગી
પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓને આવરી લેવામાં આવશે
1. ગીર સોમનાથ
2. દેવભૂમિ દ્વારકા
3. ડાંગ

કેવી હશે ટુરિસ્ટ પોલીસની ખાસિયતો?
વિશેષ ઓળખ: ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે એક ખાસ ડિઝાઇનર યુનિફોર્મ તૈયાર કરાશે. સાથે જ તેમના વાહનો માટે એક અલગ લોગો બનાવવામાં આવશે જેથી પ્રવાસીઓ તેમને સરળતાથી ઓળખી શકે.
ડિજિટલ કનેક્ટિવિટી: પ્રવાસીઓની મદદ માટે એક સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જ્યાં એક જ ક્લિક પર તમામ માહિતી અને સુરક્ષા સેવાઓ મળશે.
હેલ્પ ડેસ્ક: પ્રવાસન સ્થળો પર કન્ટેનર આધારિત આધુનિક 'હેલ્પ ડેસ્ક' અને 'કિયોસ્ક' ઊભા કરાશે, જે પ્રવાસીઓને ત્વરિત સહાય પૂરી પાડશે.
શા માટે આ પહેલ જરૂરી છે?
રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના જણાવ્યા મુજબ, આ પહેલનો હેતુ દેશ-વિદેશના પર્યટકોને ગુજરાતમાં સુરક્ષિત અને સુખદ અનુભવ કરાવવાનો છે. આ માટે હયાત પોલીસ ચોકીઓને અપગ્રેડ કરવામાં આવશે અને પૂરતા માનવબળ તેમજ નવા વાહનોની ફાળવણી કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત અને આકર્ષક બનશે તે નક્કી છે.









