બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારને સૂઝ્યું
Government of Gujarat: આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે સરકારને પડું પડું બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણીની ચિંતા પેઠી છે. એવુ જાણવા મળ્યું છે કે, બ્રિજ અને સરકારી ઇમારતો-બાંધકામો પર મોનિટરીંગ કરવા માટે અલગ ઓથોરિટી નિમવા સરકારે વિચારણા હાથ ધરી છે.
રાજ્ય સરકારે તમામ સરકારી કચેરી, શાળાઓના મકાનની ચકાસણી કરવા આદેશ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 100થી વધુ ક્ષત્રિગ્રસ્ત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાલ અન્ય બ્રિજની પણ સ્થિતિને લઈને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ચકાસણી કરી રહ્યાં છે. ક્યાંક પુલોનું સમારકામ શરૂ કરાયુ છે તો ક્યાંક નવા બ્રિજ બાંધવા આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનમાં એક શાળાની છત પડતાં બાળકો મોતને ભેટ્યાં હતાં. આ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ સરકારી કચેરી, શાળાઓના મકાનની ચકાસણી કરવા જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. કારણ કે, ગુજરાતમાં ક્ષત્રિગ્રસ્ત સરકારી મકાનોની યાદી ઘણી લાંબી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે, ત્યારે હવે કોઇ દુર્ઘટના થાય તે પહેલાં જ સરકાર સતર્ક બની છે.
IASને જવાબદારી સોંપાશે
હવે નવનિર્મિત બ્રિજ-સરકારી ઈમારતોનું બાંધકામ થતું હશે, ત્યા સતત નજર રાખવામાં આવશે. એક અલાયદી ઓથોરિટી રચાશે જેમાં આઈએએસ અધિકારીને જવાબદારી સોંપાશે. નબળા બાંધકામની ફરિયાદ મળશે તો ઓથોરિટી દ્વારા તપાસ કરાશે. સમયાંતરે બ્રિજ તથા સરકારી ઈમારતોની ચકાસણી ફરજિયાત કરાશે. ચકાસણીનો રિપોર્ટ આપવો પડશે. માર્ગ મકાન વિભાગના અધિકારી-કર્મચારીઓની પણ જવાબદારી નક્કી કરાશે.