VIDEO : AAP પાર્ટીનું મોટું સ્ટિંગ ઓપરેશન : ગુજરાતની સ્વર્ણિમ યુનિ.માં બોગસ ડિગ્રીના કૌભાંડનો પર્દાફાશ કર્યો
આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સ્ટિંગ ઓપરેશન કરાયું
સ્ટિંગ ઓપરેશનની માહિીત આપનાર AAP નેતા પ્રવિણ રામે કહ્યું ‘સરકાર આવી કોલેજો પર કાર્યવાહી નહિ કરે તો બીજા કૌભાંડો બહાર પાડીશું’
અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં બોગસ-નકલી ડિગ્રી આપવાનું કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. AAP નેતા પ્રવીણ રામે આજે પ્રેસ કોન્ફરન્સ કરી સ્ટિંગ ઓપરેશન મામલે મોટો ખુલાસો કર્યો છે. પ્રવિણ રામે રાજ્યમાં સ્વર્ણિમ જેવી અનેક યુનિવર્સિટીમાં આવા નકલી ડિગ્રી કૌભાંડો ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
AAPની શિક્ષણ સેલ દ્વારા સ્ટિંગ ઓપરેશન
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા આજે નકલી ડિગ્રી મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું કે, અમારી પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સ્ટીંગ ઓપરેશન કરાયું છે, જેમાં ત્યાં બેઠેલા વહિવટકર્તાઓ, પદાધિકારીઓ પોતે બોલ્યા છે કે, ‘તમારે કોઈપણ એડમિશન હોય તો તમે આપજો, એ એડમિશનની અંદર એમને કોલેજમાં આવવું ફરજિયાત નથી, કોલેજમાં નહીં આવે તો ચાલશે, માત્ર ને માત્ર પરીક્ષા આપવા માટે આવવું પડશે અને પરીક્ષામાં પણ સેટિંગો ચાલતા હોય છે. અગાઉથી પેપરો પણ આપી દેશું, આવી તમામ વાર્તાલાપ એ ત્યાંના સ્વર્ણિમ યુનિવર્સિટીનો જે બેસાડેલો વ્યક્તિ છે એ કરે છે અને એ વિડીયોસિંગની અંદર સામે આવ્યું છે.’
સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા ઘણા વિદ્યાર્થીઓને ડમી ડિગ્રી અપાઈ
તો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અન્ય એક નેતાએ પણ અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી સ્વર્ણિમ યુનિવર્સિટીમાં બોગસ-નકલી ડિગ્રી કૌભાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે એવો આક્ષેપ કરાયો કે, ‘ગુજરાતમાં અને દેશમાં બોગસ ડિગ્રીઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, આપ લોકોને પણ ખ્યાલ હશે કે, થોડા સમય અગાઉ કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે, દેશભરમાં બોગસ ડિગ્રીઓ ખૂલે આમ વેચાઈ રહી છે, ત્યારે ભાજપના એક નેતાએ એવું કહ્યું હતું કે, તમે આની જાણ અમને કરો, આ મામલે અમે ચોક્કસથી પગલા ભરીશું, પરંતુ આજ સુધી બંને પક્ષો દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી, પરંતુ આમ આદમી પાર્ટીના શિક્ષણશેલ આ બાબતને ખૂબ ગંભીરતાથી વિચારી આ મુદ્દાને ધ્યાને લઇ તેના ઉપર અનેક સ્ટીંગ ઓપરેશનો કર્યા છે, જેમાં યુનિવર્સિટીની અંદર બોગસ ડિગ્રી આપવાના કૌભાંડો ચાલી રહ્યા છે તેના સ્ટીંગ ઓપરેશન કર્યા છે... અમારા સ્ટિંગ ઓપરેશનમાં એક કોલેજનું નામ છે સ્વર્ણિમ યુનિવર્સિટી... આ કોલેજ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ડમી ડિગ્રી આપવામાં આવે છે.
‘નકલી કચેરી, નકલી ટોલનાકા, ગુજરાતમાં નકલી-ડમીનો રાફડો ફાટ્યો’
આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામે વધુમાં કહ્યું કે, ઘણા સમયથી અને તેમાં પણ તાજેતરમાં ગુજરાતમાં હમણાં નકલી અને ડમીઓનો રાફડો ફાટ્યો છે... નકલી અધિકારીઓ પકડાય છે... નકલી કચેરીઓ પકડાય છે... નકલી ટોલનાકા પકડાય છે... અને હમણાં તો થોડું ઘણું બાકી હતું તો નકલી ધારાસભ્ય પણ બહાર આવ્યા... અને મને હવે એવું આશ્ચર્ય થાય છે કે, આ બધું નકલી, નકલી ધારાસભ્ય નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી અધિકારીઓ તો ગુજરાતમાં ક્યાં નકલી મુખ્યમંત્રી પણ કામ ન કરતા હોય એ પણ વિચારવું રહ્યું ગુજરાતની જનતાએ... આપ નેતાએ કહ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ડમી ડિગ્રીઓ, નકલી ડિગ્રીઓ આપવામાં આવી રહી છે તો બધાને ખબર છે પરંતુ જ્યારે સ્ટીંગ મારફતથી લોકોને જાણ થાય છે ત્યારે લોકોને વધારે આઈડિયા આવે છે. મોટાભાગની યુનિવર્સિટીઓ, મોટાભાગની કોલેજો ડમી ડિગ્રી આપી અને પોતાનો વેપાર પોતાનો ધંધો મોટાપાયે ગુજરાતમાં ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના શિક્ષણસેલે ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં જઈ ત્યાંના જે સંચાલકો છે, ત્યાંના જે વહીવટકર્તાઓ છે, જે કોઈ પણ મધ્યસ્થી લોકો છે, એમની સાથે ચર્ચા કરી અને એમની સાથે ચર્ચા કરીને પોતાના જીવના જોખમે આખું સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું.
‘અગાઉથી પેપરો પણ આપી દેશું’
આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા જે સ્ટીંગ ઓપરેશન કરાયું તેમાં જોવા મળશે કે, અંદર જે વાર્તાલાપ થયો છે, તેમાં અંદર સ્વર્ણિમ યુનિવર્સિટીના જે પદાઅધિકારીઓ છે અથવા ત્યાં બેસાડેલા લોકો છે એ એવી ચોક્કસથી વાત કરે છે કે અમે આ રીતે કરીએ છીએ, તમારે કોઈપણ એડમિશન હોય તો તમે આપજો, એ એડમિશનની અંદર એમને કોલેજમાં આવવું ફરજિયાત નથી, કોલેજમાં નહીં આવે તો ચાલશે, માત્ર ને માત્ર પરીક્ષા આપવા માટે આવવું પડશે અને પરીક્ષામાં પણ સેટિંગો ચાલતા હોય છે. અગાઉથી પેપરો પણ આપી દેશું, આવી તમામ વાર્તાલાપ એ ત્યાંના સ્વર્ણિમ યુનિવર્સિટીનો જે બેસાડેલો વ્યક્તિ છે એ કરે છે અને એ વિડીયોસિંગની અંદર સામે આવ્યું છે. આપ નેતા પ્રવીણ રામે સરકાર તાત્કાલિક ધોરણે આવી નકલી ડિગ્રી આપતી યુનિવર્સિટી અને કોલેજો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર તો આવી કોલેજો ઉપર કાર્યવાહી નહિ કરે તો બીજા કોભાંડો બહાર પાડીશું.