ધો.૧૨ સાયન્સનું ૬૭.૦૪ ટકા રિઝલ્ટ : ૧૯૬ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ
આ વર્ષે બોર્ડ દ્વારા ૧૨ માર્કસ સુધીનું ગ્રેસિંગ અપાયુ
સૌથી વધુ ૮૫.૭૮ ટકા રાજકોટ જિલ્લાનું અને સૌથી ઓછુ ૪૦.૧૯ ટકા દાહોદ જિલ્લાનું પરિણામ
12 મે 2022, અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા અને ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટેની ગુજકેટનું આજે પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.બોર્ડ પરીક્ષાનું રેગ્યુલર અને રીપિટર સાથેનું એકંદરે ૬૭.૦૪ ટકા રહ્યુ છે.આ વર્ષે તમામ પેપરો એકંદરે સરળ રહેવા સાથે બોર્ડ દ્વારા ૧૨ માર્કસ સુધીનું ગ્રેસિંગ પણ અપાયુ છે તેમ છતાં ઓવરઓલ પરિણામ ૭૦ ટકાથી વધ્યુ નથી.જ્યારે ૧૯૬ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૨૮મી માર્ચથી ૧૦ એપ્રિલ સુધી ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા લેવાઈ હતી.જેમાં ચાલુ વર્ષના નિયમિત કેટેગરીના ૯૫૩૬૧ વિદ્યાર્થીેએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૬૮૬૮૧ વિદ્યાર્થીઓ પાસ થતા નિયમિત કેટેગરીનું ૭૨.૦૨ ટકા પરિણામ રહ્યુ છે. રીપિટર કેટેગરીમાં ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓમાં ૧૦૯૮૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૨૬૧૯ પાસ થતા રીપિટરનું ૨૩.૮૪ ટકા પરિણામ રહ્યુ છે.કુલ મળીને ૧૦૬૩૪૭ વિદ્યાર્થીમાંથી ૭૧૩૦૦ પાસ થતા એકંદરે ૬૭.૦૪ ટકા પરિણામ રહ્યુ છે.
આ વર્ષે કેમિસ્ટ્રીના થીયરીના પેપરમાં એમસીક્યુમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી આન્સર કી સમયે જ પહેલેથી એક ગુણ સમાનપણે આપી દેવાયા બાદ ઉત્તરવહી ચકાસણી કરતા અનેક વિદ્યાર્થીને બોર્ડના પાસિંગ સ્ટાન્ડર્ડ નિયમ મુજબ ૧૨ માર્કસ સુધીનુ ગ્રેસિંગ આપવામા આવ્યુ છે.જેમાં સૌથી વધુ રીપિટર વિદ્યાર્થી વધારે છે અને કેમિસ્ટ્રીમાં સૌથી વધુ ગ્રેસિંગ અપાયુ છે. નિયમિત કેટેગરીમાં ૫૪૭૨૭ માંથી ૩૯૪૦૩ છોકરા પાસ થતા છોકરાઓનું ૨ ટકા અને ૪૦૬૩૪માંથી ૨૯૨૭૮ છોકરીઓ પાસ થતાં છોકરીઓનું ૭૨.૦૫ ટકા પરિણામ રહ્યુ છે.પરિણામમાં હંમેશા છોકરીઓ આગળ રહેતી હોય છે ત્યારે ઘણા વર્ષો બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું પરિણામ લગભગ સરખુ કહી શકાય તેવુ આવ્યુ છે.
૮૫.૭૮ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ રહ્યો છે અને ૪૦.૧૯ ટકા સાથે સૌથી ઓછુ પરિણામ દાહોદ જિલ્લાનું રહ્યુ છે .કેન્દ્ર મુજબ સૌથી વધુ ૯૬.૧૨ ટકા પરિણામ લાઠી કેન્દ્રનું અને સૌથી ઓછુ ૩૩.૩૩ ટકા લીમખેડાનું રહ્યુ છે. આ વર્ષે એ -૧ ગ્રેડ ધરાવતા ૧૯૬ વિદ્યાર્થીઓ છે અને અંગ્રેજી માધ્યમનું ૭૨.૫૭ ટકા તેમજ ગુજરાતી માધ્યમનું ૭૨.૦૪ ટકા પરિણામ રહ્યુ છે. એ ગુ્રપનું ૭૮.૪૦ ટકા અને બી ગુ્રપનું ૬૮.૫૮ ટકા પરિણામ રહ્યુ છે. ૧૫૭ દિવ્યાંગ ઉમેદવારો (અંધ-૪૩, બહેરા મુંગા-૬ અને શારીરિક અક્ષમ ૧૦૮) માંથી ૧૧૨ વિદ્યાર્થી પાસ થયા છે.જેમાં ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડ સાથે ૩૮ વિદ્યાર્થી પાસ થયા છે.એ-૧ માં ઝીરો અને એ-૨માં છ વિદ્યાર્થી છે. મહત્વનું છે કે ગત વર્ષે બોર્ડ પરીક્ષાઓ કોરોનાને રદ થતા ૧૨ સાયન્સમાં માસ પ્રમોશન અપાતા ૧૦૦ ટકા રિઝલ્ટ સાથે ૧,૦૭,૨૬૪ વિદ્યાર્થી પાસ થયા હતા.જેની સામે આ વર્ષે કુલ પરિણામ ૩૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે.
૨૦૨૦ની સરખામણીએ આ વર્ષનું કેવુ પરિણામ
ગત વર્ષે માસ પ્રમોશનને લીધે ૧૦૦ ટકા પરિણામ હતુ પરંતુ ૨૦૨૦ના પરિણામ સાથે આ વર્ષના ૨૦૨૨ના પરિણામની સરખામણીએ કરીએ તો ૨૦૨૦માં ઓવરઓલ ૬૦.૯૬ ટકા પરિણામ હતુ જે આ વર્ષે ૭.૯૨ ટકા જેટલુ વધ્યુ છે.જો કે ૨૦૨૦માં રીપિટર સાથેના કુલ ૧૪૨૧૧૭ વિદ્યાર્થી હતા જ્યારે આ વર્ષે ખૂબ જ ઘટતા ૧૦૬૩૪૭ વિદ્યાર્થી હતા.૨૦૨૦માં છોકરાઓનું ૭૧.૬૯ અને છોકરીઓનું ૭૦.૮૫ ટકા પરિણામ હતુ.જ્યારે કેન્દ્ર મુજબ સૌથી વધુ ધ્રોલનું ૯૧.૪૨ ટકા અને સૌથી ઓછુ લીમખેડાનું ૨૩.૦૨ ટકા પરિણામ રહ્યુ હતુ.
જિલ્લા મુજબ ૨૦૨૦માં પણ રાજકોટનું પરિણામ વધુ હતુ અને જે ૮૪.૬૯ ટકા રહ્યુ હતુ.જ્યારે આ વર્ષે રાજકોટનું ૮૫.૭૮ ટકા પરિણામ છે.સૌથી ઓછુ ૩૨.૬૪ ટકા છોટા ઉદેપુર જિલ્લાનું હતું.૨૦૨૦માં અંગ્રેજી માધ્યમનું ૭૪.૦૨ ટકા પરિણામ હતુ જે આ વર્ષે ૭૨.૫૭ ટકા છે.૨૦૨૦માં ગુજરાતી માધ્યમનું ૭૦.૭૭ ટકા પરિણામ હતુ જે આ વર્ષે ૭૨.૦૪ ટકા છે. ૨૦૨૦માં એ ગુ્રપનું ૭૬.૬૨ ટકા હતુ જે આ વર્ષે ૭૮.૪૦ ટકા છે.૨૦૨૦માં બી ગુ્રપનું ૬૮.૨૧ ટકા હતુ જે આ વર્ષે ૬૮.૫૮ ટકા છે.૨૦૨૦માં એ-૧ ગ્રેડ ધરાવતા માત્ર ૪૪ વિદ્યાર્થી હતા જે ચાર ગણા વધતા આ વર્ષે ૧૯૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં છે.