ગુજરાતમાં 'SIR'ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ!

Gujarat SIR : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા(SIR)ની ડિજિટાઇઝેશનની 90 ટકા કામગીરી પૂરી થઈ છે. નવી મતદાર યાદી જારી થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઈ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત જ્યારે 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ એમ કુલ 40.12 લાખ મતદારોના નામ કમી થશે. 
21.86 લાખ કાયમી સ્થળાંતરિત, 15.58 લાખના મૃત્યુ જ્યારે 2.68 લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું
રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજિટાઇજેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈજેશનની કામગીરી 100% પૂરી થઈ ચૂકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ગણતરી દરમિયાન 15.58 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદારયાદીમાં સામેલ હતા. આ ઉપરાંત ચાર લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 21.68 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

