ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા
Gujarat Rain: ગુજરાતમાં અત્યારસુધીમાં ચોમાસાની સિઝનનો 96 ટકા (34 ઈંચ) વરસાદ નોંધાયો છે અને અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ ત્યારબાદ પણ ચોમાસુ વિદાય લેવાની શક્યતા નહીવત્ છે. 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થઈ શકે છે.
વર્ષ 2020થી 2024 દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસુ પરત ખેંચાવાની તારીખ લંબાવીને રાજસ્થાનથી 17મી અને કચ્છથી 20મી સપ્ટેમ્બર છે અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિત કેટલાક વિસ્તારો બાદ કરતા બાકીના રાજ્યમાંથી ચોમાસુ પરત ખેંચાવાની તારીખ 30મી સપ્ટેમ્બર છે. નોંધનીય છે કે, આ પહેલા આ તારીખ એકાદ સપ્તાહ વહેલી હતી, પરંતુ વરસાદની પેટર્ન બદલાતા હવામાન વિભાગે તે લંબાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
વર્ષ 2024 કચ્છમાંથી 23મી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય શરૂ થઈ અને સમગ્ર ગુજરાતમાંથી પાંચમી ઓક્ટોબરે વિદાય લીધી હતી. આમ, આ વખતે નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી છે, આ દરમિયાન વરસાદી હવામાન રહેવાની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ છે.