Get The App

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય 1 - image


- ગુજરાતી અખબારી જગતની વિરલ સંચાલક નારી પ્રતિભાનો એક યુગ અસ્ત થયો

- અંતિમ યાત્રા શુક્રવારે સવારે 8.30 વાગે જી.એસ.ટી.વી. હાઉસ, ઇસ્કોન મંદિરની બાજુમાંથી નીકળી થલતેજ સ્મશાનગૃહ ખાતે જશે.

Smrutiben Shreyanshbhai Shah News | ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા તથા પોતાની વિશિષ્ટ નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ચિરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે.

ગુજરાત સમાચારનાં લોકપ્રિય મહિલા સાપ્તાહિક 'શ્રી'ના તેઓ સતત ચાર દાયકા સુધી તંત્રી રહ્યાં અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિનાં સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્ની તરીકે તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી. 

શ્રી શ્રેયાંસભાઈનાં સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતા ભીષણ સંઘર્ષકાળમાં પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમનાં અર્ધાંગિની બની રહીને તેમને અડીખમ સાથ આપ્યો. ગુજરાત સમાચારનાં મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન  વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી. 

ગુજરાત સમાચારનાં હજારો વિતરક ભાઈઓ માંટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતાં. તેઓ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચેની કોઈપણ ગેરસમજમાં વિતરકોનો જ પક્ષ લેતા. એને કારણે તેમનાં ચાહક વિતરકો અને એજન્ટોનું બહુ વિશાળ વર્તુળ હવે તેમનાં વાત્સલ્ય વિનાનું થઈ ગયું છે. 

નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે. સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાનાં સંતાનો જેટલું જ વ્હાલ આપ્યું છે અને તેમનાં માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાંચોમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય આજે ભીની આંખે પોતાનાં પરનું શિરછત્ર જતું રહ્યું હોય તેવો વિષાદ અનુભવે છે. 

Tags :