Get The App

વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ 1 - image

.Gujarat Crime Data : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું  છે કે ગુજરાતમાં વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં આર્થિક ગુનાના કેસમાં લગભગ 33 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન આર્થિક ગુનામાં 5.99 ટકાનો વધારો થયો છે, જ્યારે ગુજરાતમાં આ વધારો 33 ટકા જેટલો હતો.

રાજ્યમાં વર્ષ 2023માં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા હતા, જે પૈકી 4,082 ગુનો ભારતીય દંડ સંહિતાની (IPC)  કલમ 420, 465, 468, 471, 231-243, 255 અને 489 A- 489 E સંબંધિત છેતરપિંડી અને ફ્રોડના  હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 796 ગુના IPCની કલમ 406થી 409 હેઠળ આર્થિક વિશ્વાસઘાત  સંબંધિત હતા, જ્યારે 34 ગુના નકલી નોટ સંબંધિત હતા.

ફ્રોડ અને છેતરપિંડીના ગુનામાં આર્થિક નુકસાન

વર્ષ 2023માં રાજ્યમાં આર્થિક ગુના સંબંધિત નોંધાયેલા 205 છેતરપિંડી અને ફ્રોડના કેસમાં નુકસાનની રકમ 1 કરોડ રૂપિયા કે તેથી વધુની હતી, જ્યારે 250 કેસમાં આ સંખ્યા 50 લાખ થી 1 કરોડ રૂપિયા વચ્ચે હતી. 689 કેસમાં નુકસાનની  આ રકમ 10 લાખથી 50 રૂપિયા વચ્ચે હતી. સૌથી વધુ 1,124 આર્થિક ગુનાના કેસમાં નુકસાનની રકમ 1 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચે હતી.

વિશ્વાસઘાતના ગુનામાં આર્થિક નુકસાન

પ્રદેશમાં વર્ષ 2023માં આર્થિક વિશ્વાસઘાત સંબંધિત 76 કેસમાં નુકસાનની રકમ 1 કરોડ રૂપિયા કે તેથી વધુની હતી, જ્યારે 80 કેસમાં આર્થિક નુકસાનનો આંકડો 50 લાખથી 1 કરોડ રૂપિયા વચ્ચેનો હતો. લગભગ 168 કેસ એવા હતા કે જ્યાં આર્થિક નુકસાનની રકમ 10 લાખથી 50 લાખ રૂપિયા વચ્ચેની હતી.

રાજ્યમાં વર્ષ 2023માં IPCની અલગ અલગ કલમો હેઠળ કુલ 281 આર્થિક ગુનાના કેસ એવા છે કે જ્યાં નુકસાનની રકમ 1 કરોડથી 100 કરોડ રૂપિયા વચ્ચેની હતી...જ્યારે 330 કેસમાં આ નુકસાનની આ સંખ્યા 50 લાખથી 1 કરોડ રૂપિયા વચ્ચે હતી.

વર્ષ 2023માં રાજ્યમાં આર્થિક ગુનાના મામલામાં કુલ 8,251 લોકોની ધરપકડ કરવામાં  આવી હતી. ધરપકડ કરાયેલા આ લોકો પૈકી 511 મહિલાઓ પણ સામેલ છે કે જે કથિત રીતે આર્થિક ગુનાની પ્રવૃતિઓમાં સંડોવાયેલી હતી. આ ઉપરાંત 2023માં આર્થિક ગુના સંબંધિત મામલામાં રાજ્યમાં 313 લોકોને દોષિત, તો 4,295 લોકોને નિર્દોષ જાહેર કરવામાં  આવ્યા હતા.