ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ
Surat Congress : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં સુરત ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. જેમાં ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18 મા ક્રમે હોવાનો આક્ષેપ કોંગ્રેસ કર્યો હતો. આ ઉપરાંત કહ્યું હતું કે, ખુદ સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવા મતમાં છે ત્યારે શિક્ષણ ગુણવત્તા વિનાનુ જ નહીં, પણ મોધું બન્યું છે.
સુરતમાં કોંગ્રેસના નરેન્દ્ર રાવતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં કહ્યું હતું કે, ભાજપની નીતિના કાણે શિક્ષણની સ્થિતિ કથળી છે પરિણામે યુવાનો અને બાળકોનું ભાવિ ચિતાજનક બન્યુ છે. છતાં શિક્ષણમાં સુધારો કરવા માટે સરકારમાં ઈચ્છાશક્તિ અભાવ જોવા મળી રહ્યો છે. આમ શિક્ષણની અધોગતિ થઇ છે પરિણામે ગુજરાત મોડેલની પોલ ખોલી છે.
વધુમાં તેઓએ કહ્યું હતું, ગુજરાતમાં છેલ્લા આઠેક વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની કવાયત થઈ રહી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણ-વ્યાપારીકરણ કરીને સરકારી-ગ્રાન્ટેડ શાળા-કોલેજો-યુનિવર્સીટીનાં માળખાને તોડી રહી છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપના મનગમતા કુલપતિની નિમણૂક પાછળ ભાજપ-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે.