ગુજરાતનું આ ગામ દેશમાં સૌથી સંસ્કારી, જ્યાં કોઇ નથી બોલતું અપશબ્દ
ગામમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકી શકતો નથી, જો તે કચરો ફેંકે છે તો તેને 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે
Image Twitter |
આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, લોકો શહેરો તરફ વળી રહ્યા છે. જ્યારે ગામડાની વાત કરીએ ત્યારે ઘણા લોકોના મોંઢા બગડી જાય છે, તેઓના મતે ગામડાંના લોકો અભણ, ગરીબ તેમજ જૂનવાણી ધરાવતા હોય છે, તેમજ ગામડાંમાં પૂરતી સુવિધા પણ મળતી નથી. પરંતુ આજે તમને ગુજરાતના એક એવા ગામડાંની વાત કરવી છે કે જ્યાં લોકો પ્રેમભાવથી હળી-મળીને રહે છે, આ ગામમાં કોઈ અપશબ્દ પણ બોલતું નથી. આ ગામ ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે અને તેનું નામ રાજસમઢિયાલા છે. અહીંયા દરેક બુનિયાદી સુવિધા ઉપલબ્ધ છે. અહીંની સમૃદ્ધિ વિદેશને પણ ટક્કર આપે તેવા પ્રકારની છે. માહિતી પ્રમાણે નથી તો ગામમાં ક્યારેય પોલીસ આવી છે અને ન તો ગામમાં કોઈ ગુનેગાર છે. અહીં ગળી- મહોલ્લામાં રામરાજ્યની પરિકલ્પના સાકાર થઈ રહી છે. આ સાથે ગામને કેટલાય એવોર્ડ પણ મળેલા છે.
ગામની મુખ્ય વિશેષતા
ગુજરાતના રાજકોટ જિલ્લાના રાજસમઢિયાલા ગામ અનેક વિશેષતા ધરાવે છે, જેમાં વાઈ-ફાઈ સુવિધા સાથે ગામમાં સિક્યુરિટી માટે સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. ગામના રસ્તાઓ સિમેન્ટથી બનાવવામાં આવ્યા છે. ગામમાં ક્યાંય ખુલ્લી ગટર જોવા મળતી નથી. સોલરથી ચાલતી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. ગામલોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામલોકાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગામમાં જ પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે, શિક્ષણ માટે ગામમાં જ પ્રાથમિક અને માધ્યમિક શાળા બનાવવામાં આવી છે. પોસ્ટ ઓફિસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ગામમાં આશરે 300 ઘર છે અને દરેક ત્રીજી ઘર કાર ધરાવે છે, એટલે કે ગામમાં આશરે 100 કાર છે. ગામની ગ્રામ પંચાયતની બે કરોડ ફિક્સ ડિપોજીટ છે.
ગામને કેટલાય એવોર્ડ મળેલા છે
રાજકોટના આ ગામની સ્વચ્છતા, વ્યવસ્થાપન અને સુવિધાઓ બદલ ગામને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પુરસ્કાર, રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ જળ સંરક્ષણ એવોર્ડ, રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તેમને નિર્મળ ગ્રામ એવોર્ડ, તીર્થગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ પણ મળ્યો છે.
51 રુપિયાનો દંડ
ગામમાં ખાસ નિયમોની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ક્યાંય કચરો ફેંકી શકશે નહીં, જો તે કચરો ફેંકે છે તો તેને 51 રૂપિયાનો દંડ ભરવાનો રહે છે. કોઈપણ વ્યક્તિ કોઈની સાથે દુર્વ્યવહાર નહી કરે અને અપશબ્દ બોલે. કોઈને નશો કરવાની મંજુરી નથી. ગામમાં ગુટખા કે તમાકુનું વેચાણ થતું નથી. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે.