ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદ હવે વિરામ લઈ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જેમાં સુરત શહેરમાં 24 મિ.મી., ભાવનગરમાં 15 મિ.મી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ચોથીથી 10મી સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.'
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આજે (પહેલી સપ્ટેમ્બર) દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'વૃક્ષો કાપો, વિકાસ લાવો...' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'અસના વાવાઝોડું ઓમન તરફ જતાં ગુજરાતને રાહત મળી છે, ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરની પણ શક્યતા છે. રાજ્યમાં આગામી ચોથીથી 10મી સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.'
23મી સપ્ટેમ્બર પછી રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં રહેશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 'રાજ્યમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, પાદરા, બોડેલી, લીમખેડા, સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 23મી સપ્ટેમ્બર પછી રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.'