મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈ ઍલર્ટ પર
Rain in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 83.38 ટકા નોંધાયું છે. હાલ 88 જળાશયો તેમની ક્ષમતાના 100 ટકા ભરાયા છે, જ્યારે 69 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા વચ્ચે જળસ્તર છે.
કરજણ ડેમના દરવાજા ખોલાયા
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલો કરજણ ડેમ છલકાઈ રહ્યો છે. ડેમની સપાટી જાળવી રાખવા માટે છેલ્લા પાંચ દિવસથી તેના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના કારણે નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને નદી બે કાંઠે વહી રહી છે. હાલમાં કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે, જ્યારે હાલની સપાટી 111.13 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક 42,000 ક્યુસેક નોંધાઈ છે, જેની સામે 34,700 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
કરજણ નદી કાંઠાના સાત ગામોને ઍલર્ટ
નદીમાં પાણીનો પ્રવાહ વધતા કરજણ નદી કાંઠે આવેલા સાત ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ભચરવાળા, હજરપુરા, તોરણા, ભદામ, અને ભુછાડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં કે કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોની સલામતી જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
બીજી તરફ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે, જેથી શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) બપોરે 2 વાગ્યાથી 15 ગેટ જે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) 3.10 મીટર સુધી ખોલ્યા હતા, તેમાં ઘટાડો કરીને 1.90 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની સપાટી 136.03 મીટર છે. ડેમમાં 8630.10 એમસીએમ પાણી ભરાયું છે. આજથી સ્થિતિએ ડેમમાં પાણીનો સંગ્રહ 91.23 ટકા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવક 207750 ક્યુસેક છે, જેની સામે જાવક 245677 ક્યુસેક છે.
અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયું
અનંત ચતુર્દશીના દિવસે (છઠ્ઠી સપ્ટેમ્બર) સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયુ હતું. શનિવારે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીમાં ઉસ્માનપુરા અને જોધપુર વિસ્તારની સાથે સરખેજ અને બાકરોલ વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બોડકદેવ, મેમનગર ઉપરાંત પૂર્વમાં આવેલા ઓઢવ અને વિરાટનગર તથા કઠવાડા વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી નોંધાયો હતો. સરેરાશ એક ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 39.61 ઈંચ થવા પામ્યો હતો. સાબરમતી નદીમાં સાંજના 7 વાગ્યે 21 હજાર ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા હતા. બેરેજનું લેવલ 129.75 ફુટ કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ તો 24માં ઓરેન્જ એલર્ટ જાહેર
શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. બપોરના 2 વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી વરસાદ વરસતા શ્રીજીને ભાવભીની વિદાય આપવા નીકળેલા ભાવિકોએ વરસતા હતી. થલતેજ અને મેમનગર વિસ્તારમાં વરસાદ સાથે જે તે વિસ્તારમાં આવેલા વિસર્જન કુંડ સુધી પહોંચવાની ફરજ પડી એક ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તરમાં આવેલા સરદારનગર અને હંસપુરા વિસ્તારમાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણમાં આવેલા મણિનગર વિસ્તારમાં 28 મિલીમીટર જ્યારે લાંભામાં 23 મિલીમીટર વરસાદ વરસ્યો વરસ્યો હતો. કાલુપુર ઉપરાંત અસારવા અને દુધેશ્વર વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.