24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર
Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે. આ વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંકાર જેવી સ્થિતિ સ્થિતિ સર્જાઇ છે. ગીર સોમનાથના તલાલામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 8 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ ?
8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના 8 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના કપરાડામાં 4.88 ઈંચ, ઉમરગામમાં 4.65 ઈંચ, ગીર-સોમનાથના પાટણ-વેરાવળમાં 4.61 ઈંચ અને જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 47 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
પાકને નુકસાન અને ડેમ છલકાયા
ભારે પવન અને વરસાદને કારણે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને શેરડીના પાકને, મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથનો રાવલ ડેમ છલકાઈ ગયો છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં ખુશી અને ચિંતા બંને જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં કરન્ટ પણ જોવા મળ્યો છે.
વરસાદની આગાહીના લીધે ખેલૈયાઓ ચિંતામાં
હવામાન વિભાગે આગામી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે.