Get The App

24 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
24 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 1 - image


Gujarat Rain Data: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 120 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ તથા નિઝરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ, નર્મદાના સાગબરામાં 1.47 ઇંચ અને જામનગરમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ, દાસડા, મૂળી, લખતર, મોરબીના વાંકાનેર, ટંકારા, મોરબી શહેર, ભાવનગર, ધંધુકા, તિલકવાડા, જેસર અને નેત્રંગમાં ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો હતો.  

વધુમાં ભારતીય હવામાન વિભાગ- IMD દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7થી 10, જુલાઈ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.  

ગુજરાતમાં સિઝનનો 47 ટકા વરસાદ 

ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઇંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઇંચ, ડાંગમાં 31.70 ઇંચ સુરતમાં 28.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઇંચ વરસાદ પાટણમાં પડેલો છે.

કપરાડા તાલુકામાં સિઝનનો 50.50 ઇંચ વરસાદ

તાલુકા પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યાર સુધી સૌથી વધુ 50.50 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના ડોલવણમાં 44, નવસારીના ખેરગામમાં 43,50 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 3.30 ઇંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી 50 તાલુકા એવા છે જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 8 તાલુકામાં 8 ઇંચથી પણ વધુ વરસાદ છે. આ વર્ષે જૂન મહિનામાં જ રૅકોર્ડ 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવે આ વખતે જુલાઈમાં પણ રૅકોર્ડબ્રેક વરસાદ પડી શકે છે. ગયા વર્ષે જુલાઈમાં 19.72 ઇંચ વરસાદ પડ્યો હતો.

Tags :