Get The App

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ 1 - image


Gujarat Rain : હવામાન વિભાગની આગાહી મુજબ બેસતા વર્ષના દિવસે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેમજ અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ખાસ કરીને 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.

ડાંગ જિલ્લામાં માવઠું

બેસતા વર્ષે જ ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરિમથક સાપુતારા અને આહવા જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા, જેના લીધે દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ અચાનક પડેલા વરસાદથી ડાંગર સહિતના તૈયાર પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, જેનાથી તેમની ચિંતામાં વધારો થયો છે.

વલસાડ જિલ્લામાં મિની વાવાઝોડા જેવો વરસાદ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. વલસાડ શહેર, પારડી તાલુકા, ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી અસર વર્તાઈ હતી, જેને કારણે જિલ્લા સેવાસદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું. વરસાદને લીધે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

સુરત, નવસારી, તાપી અને ભરૂચમાં અસર

  1. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઓલપાડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
  2. નવસારીમાં બેસતા વર્ષની સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેરગામ, ગણદેવી તાલુકા અને બીલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
  3. તાપીમાં બેસતા વર્ષની સાંજે વ્યારામાં ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ડાંગરની ખેતી ધરાવતા ખેડીતો ચિંતિત થયા છે.
  4. ભરૂચ જિલ્લાના હાંસોટના જુના ઓભા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે અને અહીં પણ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આગામી દિવસોની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ અને નવસારી જેવા જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી મુજબ, 11 કરતા વધુ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની જ શકયતાઓ રહેશે. ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

Tags :