Get The App

ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 1 - image


Weather Update : રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે, ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આગામી દિવસોની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી 48 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે.  એક મોન્સૂન ટ્રફનો છેડો નીચે આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો સુધી પહોંચશે. જ્યારે  વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર

ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ અને બનાસકાંઠાના અંબાજી, દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલીના ખાંભા, બગસરા, સાવરકુંડલા, ધારી, ગઢિયા, વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખાસ કરીને ખેડૂતોને કપાસ, સોયાબીન અને મગફળીના પાક માટે ખૂબ જ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પીપલોદ, અડાજણ, રાંદેર, ડુમસ, પાંડેસરા, વેસુ અને કતારગામ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરાના શિનોર, કરજણ, અવાખાલ, પુનિયાદ અને કંજેઠામાં પણ મેઘ મહેર જોવા મળી છે.

ખેડૂતોમાં આનંદની લહેર

અમરેલી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં આ વરસાદના કારણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા વરસાદ બાદ લાંબા વિરામના કારણે પાક સુકાઈ જવાનો ભય હતો, પરંતુ આ સમયસરના વરસાદથી પાકને નવજીવન મળ્યું છે. આ વરસાદ કપાસ, સોયાબીન અને મગફળીના પાક માટે અત્યંત જરૂરી હતો.



Tags :