Gujarat

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા

By GS TEAM
25 Sep 20253 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વધુ નવા 17 તાલુકા બનાવવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વિરોધ વંટોળ શરૂ થયો છે. ઈડર તાલુકાના જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યાં હતાં.

Summarized by AI; it may make mistakes. Check important info

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા

Gujarat News: ગુજરાતમાં વધુ નવા 17 તાલુકા બનાવવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વિરોધ વંટોળ શરૂ થયો છે. ઈડર તાલુકાના જાદરને તાલુકાનો દરજ્જો ન આપતાં સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જોઈ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડ્યાં હતાં. 

70 આગેવાનોએ ભાજપમાંથી રાજીનામું ધર્યું

નવરચિત તાલુકા જાહેર કરીને સરકારે જ જાણે શાંત જળમાં પથરો ફેંક્યો છે. ઘણાં વખતથી જાદરને તાલુકા બનાવવા સ્થાનિકો માંગ કરી છે. તેમનું કહેવુ છે કે, છેલ્લાં 6 ધારાસભ્ય છેલ્લાં ઘણાં વખતથી લોલીપોપ આપી રહ્યાં છે. જો બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે તાલુકા મળતાં હોય તો ઈડરને કેમ નહીં.

આ પણ વાંચોઃ થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો

જાદરવાસીઓ એટલી હદે રોષે ભરાયાં છે કે, 70થી વઘુ આગેવાનોએ કેસરિયો ખેસ ઉતારી આ મુદ્દે સરકાર સામે લડત લડવા નક્કી કર્યુ છે. એવી ચિમકી આપવામાં આવી છે કે, જાદર પંથકના ગામડાઓમાં હવે ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. એટલુ જ નહીં, આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ યોજવા દેવાશે નહી.

આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, એપીએમસી, સહકારી માર્કેટયાર્ડ, સહકારી સંઘની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિરોધની આગ ભાજપને દઝાડશે એવુ લાગી રહ્યુ છે. 

સૌરાષ્ટ્રમાં તાલુકા વિભાજન મુદ્દે આંદોલનના ભણકારા

નવરચિત તાલુકા મુદ્દે અત્યારથી વિરોધનો બુંગિયો ફૂંકાયો છે ત્યારે સરકારે સાપે છછૂંદર ગળ્યો હોય તેવી સ્થિતી નિર્માણ થઇ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે તાલુકા વિભાજનનો મુદ્દો ભાજપને લાભદાયી નહી બલ્કે રાજકીય દ્રષ્ટિએ નુકશાન પહોંચાડી શકે છે. નવરચિત તાલુકાઓમાં સૌરાષ્ટ્રની ધરાર બાદબાકી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ સરકાર વિરૂદ્ધ આંદોલન થાય તેમ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો

વિરોધને ડામવા વાવ-થરાદ જિલ્લામાં વધુ તાલુકા સમાવવા પડ્યાં 

વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરી રાજ્ય સરકારે વાવ-થરાદ જિલ્લો બનાવવા સરકારે નિર્ણય લીધો છે. નવ રચિત ઓગડ અને હડાદ તાલુકો બનાસકાંઠામાં રહેશે પણ  દિયોદર, લાખણી,ધરણીધર અને રાહ તાલુકો નવ રચિત વાવ થરાદ જિલ્લામાં રહેશે. આ અગાઉ જીલ્લા વિભાજનના મુદ્દો બનાસકાંઠા જીલ્લામાં ભાજપનો ભરપૂર વિરોધ થયો હતો. આ જોતાં સરકારે લોકોનો વિરોધ ડામવા આ નિર્ણય લેવો પડ્યો છે. 

વોટબેંક ખાતર આદિવાસી વિસ્તારો પર ફોક્સ કરાયું

નવરચિત તાલુકાઓના નિર્ણય સામે વિરોધ વંટોળ ઊભો થયો છે. એવો સુર ઉઠ્યો છે કે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નવા તાલુકાઓ રચાયા છે પણ સૌરાષ્ટ્રની ધરાર બાદબાકી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એકેય નવો તાલુકા રચાયો નથી. ઘણાં સમયથી માંગણી પેન્ડિંગ હોવા છતાંય સરકારે ઘ્યાને લીધુ નથી. સરકારે વોટ બેન્કને જાળવી રાખવા ઉતાવળિયુ પગલું લીઘુ છે. આદિવાસી વિસ્તારમાં ભાજપ રાજકીય પક્કડ ગુમાવે તેવી ભીતિ સર્જાઈ છે. આ જોતાં નવા તાલુકાઓની રચનામાં આદિવાસી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયુ હોય તેમ લાગી રહ્યુ છે. એવી પણ શંકા વ્યક્ત કરાઇ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટલ્લે ચડાવવા માટે સરકારે આ પગલુ ભર્યું છે.